Home Trending Special અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ …

અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ …

146
0

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 20 જૂન મંગળવારના રોજ 146ની રથયાત્રા યોજાવા જઇ રહી છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન નિજ મંદિરેથી પરત ફર્યા બાદ ત્રણ દિવસ ઉત્સવ દરમિયાન ભગવાનને પહેરાવવામાં આવતા વાઘા, સોનાના દાગીના અને શણગાર વાજતે ગાજતે ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા. ત્રણેય દિવસના અલગ અલગ યજમાનો દ્વારા બેન્ડવાજા દ્વારા ભગવાનને વાઘા અને શણગાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ વખતે રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા જોડાશે. તેમજ 2 લાખ ઉપરણાં પ્રસાદમાં અપાશે. સમગ્ર રથયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે.

રથયાત્રામાં મામેરાનું મહત્વ વધુ હોય છે. ભગવાન નગરચર્યાએ નીકળે ત્યારે સરસપુર ખાતે મોસાળમાં જાય છે. ત્યારે મોસાળવાસીઓ દ્વારા આગતા સ્વાગતા કરવામાં આવે છે અને મામેરું કરવામાં આવે છે. આ વર્ષે ભગવાનને મામેરામાં ત્રણેય ભગવાનના વાઘા, સોનાના ઢોળ ચડાવેલા હાર, સુભદ્રાજીને પાર્વતી શણગાર આપવામાં આવ્યો છે. પાર્વતી શણગારમાં લિપસ્ટિક, કાજલ, ચાંદલા, બેંગલ્સ, નેઇલ પોલીસ, શૃંગારની નાનીથી લઈ મોટી તમામ સામગ્રીનો સમાવેશ થાય છે. ભગવાનને મોરપિચ્છ પસંદ હોવાથી મોરપિચ્છ થીમનાં વાઘા ઘરેણાં તૈયાર કરવામાં આવ્યા છે.

રથયાત્રાનો રુટ તૈયાર કરાયો છે. જેમાં સવારે 7 વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થશે,  9 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ , 9.45 વાગ્યે રાયપુર ચકલા , 10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા , 11.15 વાગ્યે કાલુપુર સર્કલ , 12 વાગ્યે સરસપુર , બપોરે મોસાળમાં વિરામ , 1.30 વાગ્યે સરસપુરથી પરત , 2 વાગ્યે કાલુપુર સર્કલ , 2.30 વાગ્યે પ્રેમ દરવાજા , 3.15 વાગ્યે દિલ્હી ચકલા , 3.45 વાગ્યે શાહપુર દરવાજા , 4.30 વાગ્યે આર.સી. હાઇસ્કૂલ , 5 વાગ્યે ઘી કાંટા , 5.45 વાગ્યે પાનકોર નાકા , 6.30 વાગ્યે માણેકચોક , 8.30 વાગ્યે નિજ મંદિર પરત ફરશે.

 જમાલપુર જગન્નાથ મંદિરના પ્રાંગણમાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વરસાદની આગાહીના પગલે ભક્તો હેરાન ન થાય તેને ધ્યાનમાં રાખીને આ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રથયાત્રાને પગલે મંદિરમાં અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પેરા મિલિટરી ફોર્સની એક ટુકડીને મંદિરમાં જ તહેનાત કરવામાં આવી છે.

જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે ભગવાન હાલ સરસપુર મોસાળમાં છે. 18 જૂનના રોજ રવિવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નિજ મંદિરે પરત ફરશે. બાદમાં નેત્ર વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી યોજાશે. બપોરે સાધુ-સંતો માટે ભંડારો અને વસ્ત્રદાન થશે. સોમવારે ભગવાનનો સોનાવેશ શણગાર, પૂજન વિધિ અને મંદિર પ્રાંગણમાં રથપૂજા થશે. સાંજે વિશિષ્ટ સંધ્યા આરતી યોજાશે અને અષાઢ સુદ બીજના દિવસે મંગળવારે સવારે ચાર વાગ્યે મંગળા આરતી, મહાભોગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરાવી બાદ રથયાત્રાનો પ્રારંભ થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જમાલપુર જગન્નાથ મંદિર તરફથી અયોધ્યામાં રામમંદિર માટે મુગટ મોકલવામાં આવશે. 20 જૂને યોજાનારી રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજાવાળા જોડાશે. સાધુ-સંતો અને ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.

ભગવાન જગન્નાથના રથયાત્રા મહોત્સવને લઈ ત્રણ દિવસ મંદિરમાં ઉત્સવો અને પૂજાવિધિ થશે. 18 જૂનના રોજ ભગવાન જગન્નાથ મામાના ઘરેથી પરત ફરશે ત્યારે ગર્ભગૃહમાં તેમની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ કરવામાં આવશે. ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ અને ધ્વજારોહણમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના નેતાઓ અને ધારાસભ્યો હાજર રહેશે.

 નેત્રોત્સવ વિધિ બાદ બપોરે દેશનાં અલગ અલગ રાજ્યોમાંથી રથયાત્રામાં ભાગ લેવા માટે આવેલા સાધુ-સંતોનો ભંડારો યોજાશે. હજારોની સંખ્યામાં સાધુ-સંતોના ભંડારામાં કાળી રોટી અને ધોળી દાળ એટલે કે દૂધપાક અને માલપુવાનો પ્રસાદ પીરસવામાં આવશે. તમામ સાધુ-સંતો અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને યજમાન દ્વારા વસ્ત્રોનું દાન કરવામાં આવશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ ભંડારામાં હાજર રહેશે. મોટી સંખ્યામાં સાધુ-સંતો આ ભંડારામાં ભાગ લેશે અને ત્યારબાદ તેઓ આ રથયાત્રામાં ભાગ લેશે.

 અષાઢી સુદ એકમને 19 જૂનના રોજ સવારે ભગવાનનો સોનાવેશ અને ગજરાજોના પૂજનની વિધિ કરવામાં આવશે. સવારે 10:30 વાગ્યે ભગવાનને સોનાવેશ પહેરાવવામાં આવશે. તેમજ ગજરાજોની પૂજન વિધિ પણ કરવામાં આવશે. જેમાં બીસીસીઆઇના જનરલ સેક્રેટરી જય અમિત શાહ હાજર રહેશે. બપોરે 11:30 વાગ્યે મંદિરના પ્રાંગણમાં રથની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને નેતાઓ દ્વારા રથનું પૂજન અને આરતી કરવામાં આવશે. સાંજે આઠ વાગ્યે વિશિષ્ટ પૂજા અને સંધ્યા આરતીમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના મંત્રીઓ અને નેતાઓ હાજર રહેશે.

અષાઢી સુદ બીજના દિવસે મંગળવારે સવારે 3.45 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે અને ચાર વાગ્યે ભગવાનની મંગળા આરતી યોજાશે. 4:30 વાગ્યે ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે. ભગવાનની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ હાજર રહેશે અને અતિથિ વિશેષ તરીકે એડીસી બેંકના ચેરમેન અજય પટેલ હાજર રહેશે. ત્યારબાદ સવારે 6:00 વાગ્યે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવશે. 7.05 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી ભગવાનની રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here