Home સુરેન્દ્રનગર હર ઘર તિરંગા અભિયાન :: ૧૩ થી ૧૫ ઓગસ્ટ

હર ઘર તિરંગા અભિયાન :: ૧૩ થી ૧૫ ઓગસ્ટ

199
0

સુરેન્દ્રનગર : 5 ઓગસ્ટ


‘‘હર ઘર તિરંગા’’ અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક ઘર, સંસ્થા, કચેરી, વ્યાવસાયિક-ઔદ્યોગિક એકમોને આગામી તા.૧૩ થી તા.૧૫ ઓગસ્ટ-૨૦૨૨ દરમિયાન તિરંગો લહેરાવવા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે. સી. સંપટની અપીલ

‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં સહભાગી થવા નાગરિકોને જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી દેશનું ગૌરવ-દેશનું અભિમાન-ત્રિરંગો હર ઘરની શાન બને તે માટે જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટે જિલ્લાના નાગરિકોને પોતાના ઘર – મકાનો પર તા.૧૩ થી ૧૫ દરમિયાન રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવવાની અપીલ કરી છે.
જિલ્લામાં આગામી તા.૧૩ થી તા.૧૫ ઓગસ્ટ – ૨૦૨૨ દરમિયાન આઝાદીના અમૃત્ત મહોત્સવ અંતર્ગત યોજાઇ રહેલા હર ઘર તિરંગા કાર્યક્રમ દરમિયાન નાગરિકોને રાષ્ટ્ર ભક્તિના આંદોલનમાં સહભાગી થવા અને દેશ પ્રત્યેના પ્રેમ અને ભાવને વ્યક્ત કરવાના હેતુથી દરેક વ્યક્તિ પોતાના ઘર પર, સંસ્થાઓ પર, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો, કચેરીઓ પર તિરંગો લહેરાવે તેવી જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના તમામ ઘરો સહિત, દુકાનો, ઉદ્યોગ, વેપારીઓ, વાણિજિયક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને નાગરિકો અને ખાસ કરીને આજની યુવા પેઢી રાષ્ટ્રની આઝાદીની ચળવળથી વાકેફ થાય અને તેમનામાં દેશદાઝની ભાવના વધુ પ્રબળ બને તે માટેના આ ઉમદા અભિયાનમાં સહયોગી બને તે માટે જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો છે.
વધુમાં કલેક્ટરશ્રીએ આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ મળી અંદાજિત ૩.૫ લાખ ઘરોમાં તિરંગો લહેરાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાની ખાદીગ્રામ ઉદ્યોગ, કૂટીર ઉદ્યોગ જેવી સંસ્થાઓમાં તિરંગાનું વેચાણ થઈ રહ્યું છે. આ સંસ્થાઓને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ આ કાર્યક્રમના આયોજન માટે રાષ્ટ્રધ્વજ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે વેચાણની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું તેમજ નાગરિકો આ રાષ્ટ્રધ્વજને તા.૧૫મી ઓગસ્ટની સાંજ સુધી લહેરાવી શકશે તેમ જણાવી રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે રાષ્ટ્રધ્વજ સંહિતાનું પાલન કરવાની પણ અપીલ કરી છે.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here