Home ગોધરા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ – ગોધરા

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ – ગોધરા

258
0
ગોધરા : 19 જાન્યુઆરી

જ્ઞાન શક્તિથી વનબંધુને વિશ્વબંધુ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી
> કેન્દ્ર સરકારની સર્વગ્રાહી નવી શિક્ષણ નીતિના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા રોડ મેપ બનાવાયો છે
> આદિવાસી છાત્રોને પોતાના ઘરની નજીક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા કરાઇ છે
> રાજ્ય અને રાષ્ટ્રના વિકાસ માટે અને ભારતને વિશ્વગુરુ બનાવવા યુવાશક્તિનું યોગદાન મહત્વનું છે


શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંકુલમાં રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સેન્ટર ફોર એક્સલન્સ ભવનનું ઈ – ખાતમુહૂર્ત
પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારની પોતાની આગવી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહમાં ૧૧૨ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાયા આદિવાસી બાહુલ્ય ધરાવતા પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ૧૧૨ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા.

આ અવસરે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંકુલમાં રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સેન્ટર ફોર એક્સલન્સ ભવનનું ઈ – ખાતમુહૂર્ત કર્યું હતું

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષથી શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આરોગ્ય અને શિક્ષણને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણથી લઈ ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ છે. તેમણે ઉમેર્યું કે આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ ૨૦૧૫ માં કરવામાં આવી હતી. જે આજે વટવૃક્ષ બની હજારો આદિવાસી વિધાર્થીઓની કારકિર્દીનું ઘડતર કરી રહી છે.

તેમણે ઉમેર્યું કે, આદિવાસી સમાજના ઉત્થાનમાં શ્રી ગોવિંદ ગુરુનું અમૂલ્ય પ્રદાન છે. આદિવાસી સમાજના શિક્ષણ, કૃષિ, મહિલાઓના વિકાસ માટે તેમણે કરેલા પ્રયાસોનો અભ્યાસ થવો જોઇએ. વિધાર્થીઓ તેમના જીવનનો અભ્યાસ કરીને તેમના જીવનમૂલ્યોને અનુસરે તે જરૂરી છે.

તેમણે જણાવ્યું કે, ગુજરાતની તમામ યુનિવર્સિટીઓએ નેક એક્રેડીડેશન માટે પ્રયાસ કરવો જોઇએ.શિક્ષણની ગુણવત્તાને કેન્દ્રમાં રાખીને ચાલવા માટે એ જરૂરી છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અધ્યાપકોએ પણ અત્યારથી જ આ માટે પ્રયાસ કરવો જોઈએ.

ભારતને ટી.બી મુક્ત બનાવવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા ખાનગી અને સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓ આગળ આવી પોતાનો સહયોગ આપવા તેમણે અનુરોધ કરી સમાજમાંથી કુપોષણની સમસ્યાના નિવારણ માટે સહયોગ આપવા જણાવ્યું હતું.

તેમણે વિશ્વ વિદ્યાલયોને ગામડાઓમાં મહિલા, બાળકોની સમસ્યાઓના સમાધાન માટે સહિયારા પ્રયાસોથી જવાબદારી અદા કરવા પર ભાર મૂક્યો હતો.

આનંદી પટેલે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ક્રાંતિ કારી ગોવિંદ ગુરુ વિશે ભાવિ પેઢી અવગત થાય તે માટે શોધપીઠ શરૂ કરવા સૂચન કર્યું હતું.

આનંદીબેન પટેલે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ અંગેની ભૂમિકા આપતા જણાવ્યું કે નવી શિક્ષણ નીતિના અમલથી હવે વિધાર્થીઓ આત્મ નિર્ભર બનશે.

તેમણે નવ પદવી ધારકોને ઉચ્ચ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી પોતાના જ્ઞાન અને કૌશલ્યનો સ્વ ની સાથે સમાજ અને દેશના વિકાસ માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું.

મુખ્ય મંત્રી:
જ્ઞાન શક્તિથી વનબંધુને વિશ્વબંધુ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલ માટે રાજ્ય સરકારે રોડ મેપ બનાવ્યો છે. આદિવાસી છાત્રોને પોતાના ઘરની નજીક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા કરાઇ છે. કોલેજના છાત્રો આત્મનિર્ભર બની રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે. આ દિશામાં સરકાર દ્વારા કામ થઈ રહ્યું છે અને તેથી દેશમાં સ્ટાર્ટ અપમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે.

તેમણે કહ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્રભાઇ મોદીએ આર્ષ દર્શન કરીને સેક્ટરિયલ યુનિવર્સિટી બનાવી હતી. રક્ષા શક્તિ, રેલવે, ફોરેન્સિક, એનિર્જી, સંસ્કૃત, યોગ, ટેકનિકલ, ટીચર જેવા વિભાગો અને ક્ષેત્રો માટે આગવી યુનિવર્સિટી બનાવી અને કાર્યરત કરી હતી. આવા સેક્ટરિયલ સ્પેસિફિકેશનમાં ખાસ યુનિવર્સિટી હોય એવું ગુજરાત રાજ્ય એકમાત્ર છે. આ બાબત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં થયેલો વિકાસ દર્શાવે છે.

આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી છાત્રો પોતાની શક્તિ અને જ્ઞાનનો લાભ દૂર દરાજના લોકોને મળે એવી રીતે કામ કરવાનું આહ્વાન કરતાં પટેલે જણાવ્યું કે ગરીબી નિર્મૂલન, કૃષિ અને આરોગ્ય જેવા ક્ષેત્રમાં હજુ વધુ યુવાનોની આવશ્યકતા છે અને પોતાની સુઝ તથા સમજથી લોકોની મુશ્કેલી દૂર કરવા માટે જરૂરી આવિષ્કાર કરે તો જ તેમણે મેળવેલું જ્ઞાન-શિક્ષણ લેખે લાગશે. રાજ્ય અને રાષ્ટ્રના વિકાસ માટે અને ભારતને વિશ્વગુરુ બનાવવા યુવાશક્તિનું યોગદાન મહત્વનું છે.

૨૧મી સદી જ્ઞાન અને નવપ્રવર્તનની છે, એમ કહેતા મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે રાજ્યના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારના યુવાનો પણ દેશ અને દુનિયા સાથે કદમ મિલાવી આગળ વધે તે માટેની તમામ ભૌતિક વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. વર્ષ ૧૯૬૦ થી ૨૦૦૦ સુધી ગુજરાતમાં માત્ર ૪૦ યુનિવર્સિટી હતી અને તેની સામે આજે ૯૦ થી પણ વધુ વિશ્વ વિદ્યાલયો કાર્યરત છે.

જૂના પંચમહાલ ક્ષેત્રના આરાધ્ય એવા શ્રી ગુરુ ગોવિંદનું સ્મરણ કરતા મુખ્યમંત્રી પટેલે કહ્યું કે તેમણે અંગ્રેજો સામે લડીને દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિભૂતિઓની ગાથાને સન્માન આપી તેમના સ્મારક બનાવ્યા છે. આદિવાસી વિસ્તારોમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગવાન બનાવવા વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આદિવાસી વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની આહલેક જગાવશે તેવો વિશ્વાસ તેમણે અંતે વ્યક્ત કર્યો હતો.


શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે વ્યક્તિ અને સમાજનાં સર્વાંગી વિકાસમાં શિક્ષણની ભૂમિકાનું મહત્વ સમજતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ત્યારબાદ આનંદીબેન પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે શિક્ષણક્ષેત્રે સતત નવા સુધારાઓ, નવી પહેલોને અમલી બનાવી શૈક્ષણિક સુવિધાઓના સતત અધ્યતનીકરણ અને વિસ્તરણની પ્રક્રિયા પર ભાર મુક્યો હતો.જે પરંપરા વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સશક્ત રીતે આગળ ધપાવી રહી છે.
તેમણે જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારો સુધી પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને વિસ્તારના વંચિતો અને આદિવાસીઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં ભેળવવાના સરકારના પ્રયાસો સફળ થયા છે
તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા રાજ્યના દરેક ખૂણે, સ્થાનિક સ્તરે ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પના ભાગરૂપે શરૂ કરાયેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આજે વટવૃક્ષ બની છે અને તેના ફળ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોરે કહ્યું કે ગુજરાત સરકારે પંચમહાલમાં આદિવાસી વિસ્તારની પોતાની યુનિવર્સિટી બનાવી અને આદિવાસીઓના ગુરુ અને સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રણેતા એવા ક્રાંતિકારી શ્રી ગોવિંદ ગુરુ નામાભિધાન કરી આદિવાસીઓની શૌર્યતા અને અસ્મિતામાં અભિવૃદ્ધિ કરી છે. આદિવાસી છાત્રોને ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. આ છાત્રોને પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. તેનો લાભ અંતરિયાળ વિસ્તારના શિક્ષણ જગતને મળી રહ્યો છે.

પ્રારંભમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે સૌનો આવકાર કરતા જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે વર્ષ ૨૦૧૫ માં પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય સહિત પાંચ જિલ્લાના વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળે તે માટે ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.૧૪૨ એકરમાં રૂ.૧૧૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ યુનિવર્સિટીના ભવનનું કામ પૂર્ણતાના આરે છે.


માત્ર ૬૭ હજાર વિદ્યાર્થી, ૯૧ કોલેજ સાથે શરૂ થયેલ યુનિવર્સિટીમાં હાલમાં ૧.૪૦ લાખ વિધાર્થીઓ અને પાંચ જિલ્લાની ૨૧૫ કોલેજો જોડાયેલી છે. યુનિવર્સિટીમાં હાલમાં ૬૪૦ વિધાર્થીઓ પી.એચ.ડી કરી રહ્યા છે.અત્યાર સુધીમાં ૨૮,૫૩૬ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યા શાખાઓની પદવી એનાયત કરવામાં આવી છે.તેમણે યુનિવર્સિટીએ સ્થાપનાના ખૂબ જ ટૂંકા ગાળામાં હાંસલ કરેલ સિદ્ધિઓની વિસ્તૃત વિગતો આપી હતી. અંતમાં યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડો.અનિલ સોલંકીએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે રાજ્ય મંત્રી નિમીષાબેન સુથાર, સાંસદ રંજનબેન ભટ્ટ, રતનસિંહ રાઠોડ, જશવંતભાઈ ભાભોર, ધારાસભ્યો સર્વ સુમનબેન ચૌહાણ, બચુભાઈ ખાબડ, અભેસિંહ તડવી, જીગ્નેશભાઈ સેવક, પૂર્વ રાજ્ય મંત્રી વસુબેન ત્રિવેદી, જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, અગ્રણી અશ્વિનભાઈ પટેલ, યુનિવર્સિટીના વિવિધ વિભાગોના ડીન, ફેકલ્ટી, સિન્ડીકેટ, સભ્યો, પદાધિકારીઓ, કલેકટર સુજલ મયાત્રા,જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here