કચ્છ: 27 મે
આ સંવાદ કાર્યક્રમ અંગે ભુજમાં સમીક્ષા બેઠક યોજાઈ : ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રીએ ૧૦ સમિતિના નોડલ અધિકારીઓને આપ્યું જરૂરી માર્ગદર્શન
આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ તા.૩૧મી મે ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શિમલા, હિમાચલ પ્રદેશ ખાતેથી સરકારશ્રીની વિવિધ ૧૩ યોજનાઓના લાભાર્થીઓ સાથે યોજના વિષયક વર્ચ્યુઅલ સંવાદ કરશે ત્યારે આ સંવાદમાં કચ્છના લાભાર્થીઓ ભુજ ખાતેથી જોડાશે. જે અંગેની તૈયારી મુદ્દે ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક મળી હતી.
આ બેઠકમાં તેઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનું આયોજન બે ભાગમાં થનાર છે. પ્રથમ ભાગમાં રાજ્ય અને જિલ્લા કક્ષાની ઇવેન્ટ સવારે ૧૦: ૧૫ કલાક થી ૧૦: ૫૦ કલાક દરમિયાન થશે. જેમાં પી. એમ. કિસાન સમ્માન નિધિના લાભાર્થીઓના ખાતામાં ૧૧મું ઇન્સ્ટોલમેન્ટ ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે સમાંતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમના બીજાભાગમાં રાજ્ય અને જિલ્લા સ્તરના કાર્યક્રમમાં હાજર લોકો વર્ચ્યુઅલી રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં શિમલા ખાતે જોડાશે. જ્યાંથી વડાપ્રધાનશ્રી લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેટલાક પસંદગીના જિલ્લાઓમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, સ્વચ્છ ભારત મિશન, જલ જીવન મિશન અને અમૃત, પ્રધાનમંત્રી એસવીએનિધી સ્કીમ, વન નેશન વન રેશન કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના, આયુષમાન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર, પ્રધાનમંત્રી મુદ્રા યોજના સહિતની ૧૩ યોજનાનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમનો હેતુ અંત્યોદયનો અભિગમ અપનાવી લાભાર્થીઓને આગળ લાવવા, તેમની જીવનની સરળતા સમજવા, યોજનાઓમાં સુધારો લાવવા માટે નવા વિચારો શોધવા,વધુ લાભો માટે શક્યતાઓ વિચારવા તથા જયારે વર્ષ ૨૦૪૭માં સ્વતંત્રતાને ૧૦૦ વર્ષ પૂર્ણ થાય ત્યારે નાગરિકોની આંકાક્ષાઓને સમજવાનો છે. જે ધ્યાને લઈને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રીએ તમામ ૧૩ યોજનાને સબંધિત અધિકારીશ્રીઓને તાલુકાવાર લાભાર્થીઓના નામો નક્કી કરી તેની વિગતો તાલુકા કક્ષાએ કામગીરીના આયોજન માટે રચાયેલી ૧૦ સમિતિના નોડલ અધિકારીશ્રીઓને મોકલી આપવા સૂચના આપી હતી. આ ઉપરાંત, તમામ અધિકારીશ્રીઓ સાથે સંકલનમાં રહેવા અને આયોજનને સબંધિત જરૂરી પૂર્વ તૈયારીઓ કરી લેવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૧૩ યોજના દીઠ જિલ્લાના ૧૨૦૦થી વધુ લાભાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
આ સમીક્ષા બેઠકમાં નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આસ્થાબેન સોલંકી, નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી ડૉ. મેહુલ બરાસરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનક માઢક, સિવિલ સર્જન ડૉ. કશ્યપ બુચ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કનક ડેર તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.