પેટલાદ તાલુકા પંથકમાં પરિણીતાને બાળક ન હોવાથી સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યો હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. લગ્નના 4 વર્ષ છતાં નિ:સંતાન રહેતાં પરિણીતાના સાસરિ વાળાઓએ મ્હેણાં – ટોણાં મારી એટલો ત્રાસ ગુજાર્યો કે પરિણીતાએ અંતે પોતાના પતિ સહિત સાસરીયા વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે.
બનાવની વિગત એવી છે કે બોરસદ તાલુકાના વડેલી ગામમાં 24 વર્ષીય યુવતીના 4 વર્ષ અગાઉ લગ્ન પેટલાદ તાલુકાના જોગણ ગામના યુવક સાથે કરાયા હતાં. લગ્ન બાદ યુવતી પોતાના સાસરીયાવાળાં સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતા. શરૂઆતના બે વર્ષ દરમિયાન સાસરીવાળાંએ યુવતીને સારૂ રાખ્યું. ત્યારબાદ પરિણીતાને પિયરમાંથી લાખ રૂપિયા જેટલા પૈસાની દહેજની માંગણી કરી અને દબાણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત યુવતીને ઘરકામ બાબતે અવાર નવાર વાંક કાઢી ઝઘડા કરવામાં આવતાં હતા અને છુટાછુટા આપવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ પરિણીતાને બાળક ન થતાં મ્હેણાં – ટોણાં મારી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો.
પરિણીતાના પતિ દ્વારા તેણીની સાથે તકરાર કરી પરિણીતાના વાળ ખેંચી ગડદાપાટુનો માર મારવામાં આવતો હતો. તેમજ સાસુ-સસરાં , દિયર અને કાકા સસરાંએ ભેગા મળીને પરિણીતાના ચારીત્ર્ય ઉપર ખોટા આક્ષેપ કરીને ચઢામણી કરવામાં આવી હતી. આખરે સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોતાના પતિ, સાસુ-સસરાં, દિયર અને કાકા સસરાં વિરૂધ્ધ પેટલાદ ટાઉન પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે પાંચેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.