સુરેન્દ્રનગર: 17 ડિસેમ્બર
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સુરેન્દ્રનગરના સાયલા ખાતે ત્રિદિવસીય જ્ઞાન સત્ર અંતર્ગત પારિતોષિક એનાયત કરાયા
વર્ષ ૨૦૧૮,૧૯ માટે કુલ ૪૧ પારિતોષિકો અપાયા
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રતિ વર્ષ શ્રેષ્ઠ પુસ્તકો માટે અનેકવિધ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, જે અંતર્ગત વર્ષ ૨૦૧૮, ૧૯ના વિવિધ વિભાગના સર્વશ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સુરેન્દ્રનગરના રાજ સૌભાગ સત્સંગ મંડળ, સાયલા ખાતે ત્રિદિવસીય જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત યોજાયેલ એક એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં શ્રી રઘુવીર ચૌધરી, શ્રી માધવ રામાનુજ, શ્રી નરોત્તમ પલાણ, શ્રી પીનાકીન દવે સહિતના અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતિમાં આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. લેખક, ચિંતક અને વક્તા શ્રી પુલક ત્રિવેદીના ‘ટૂંકું ને ટચ’ પુસ્તકની નિબંધસંગ્રહ વિભાગમાં વર્ષ ૨૦૧૮ માટે સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે પસંદગી કરાઈ છે.
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભગતના ગામ સાયલા ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના યોજાયેલા ત્રિદિવસીય અધિવેશનમાં ‘ટૂંકું ને ટચ’ પુસ્તકને શ્રી સદવિચાર પરિવાર પારિતોષિત એનાયત કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ શ્રી પ્રકાશ ન. શાહના હસ્તે આજે શ્રી પુલક ત્રિવેદીને પારિતોષિક આપવામાં આવ્યો હતો. સરળ ભાષા, રસાળ શૈલી જેમની આગવી તાકાત છે એવા પુલક ભાઈ ત્રિવેદીએ સમાજ, મન:ચેતના, આંતરિક શક્તિઓ, રમત ગમત, વ્યાપાર જેવા વિવિધ વિષયો ઉપર પોતાના જીવનના અનુભવોનો સુમેળ સાધીને વાસ્તવવાદી હકારાત્મક અભિગમ સાથે માનવતા અને પ્રેરણાની ગાથા રસપ્રદ શૈલીમાં રજૂ કરી છે.
વિવિધ દૈનિકોમાં કટાર લેખન કરતા શ્રી ત્રિવેદી રાજ્ય સરકારના માહિતી ખાતામાં વરિષ્ઠ અધિકારી તરીકે કાર્યરત છે. તેમણે રાજ્ય સરકારના ૨૭૫ જેટલા વિકાસલક્ષી પુસ્તકોનું સંપાદન, પ્રકાશન કર્યું છે. ‘ટૂંકું ને ટચ’ પુસ્તક અગાઉ તેમના ‘સીધુ ને સટ’, ‘ નિષ્કર્ષ અને આસ્વાદ’ નામના ત્રણ પુસ્તકો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે તાજેતરમાં અસાઈત સાહિત્ય સભા દ્વારા પુસ્તક ‘સીધુ ને સટ’ને નિબંધ સંગ્રહ વિભાગનું વર્ષ ૨૦૨૧નું સર્વશ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક એનાયત કરાયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આજે વર્ષ ૨૦૧૮, ૧૯ માટે શ્રી પારુલ ખખ્ખર, શ્રી પૂજા તત્સત, શ્રી દિનેશ દેસાઈ, ડો.ચંદ્રકાન્ત મહેતા, શ્રી હરિકૃષ્ણ પાઠક, શ્રી મહેન્દ્રસિંહ પરમાર, શ્રી રમેશ તન્ના સહિતના કુલ ૪૧ જેટલા લેખકોના પુસ્તકોને પારિતોષિકો એનાયત કરાયા હતા.