કાલોલ : 8 જાન્યુઆરી
કાલોલ શહેરના પટેલ ફળિયા વિસ્તારના એક યુવકના ઘરમાંથી કાલોલ પોલીસે ૧૧૩ નંગ ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ૩૩,૯૦૦નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ પોલીસને રવિવારે બપોરના સુમારે ખાનગી રાહે મળેલી બાતમીને આધારે શહેરના પટેલ ફળિયા વિસ્તારના રાજ ઉર્ફે રાજા રાકેશભાઈ પરમારના રહેણાંક મકાનમાં છાપો મારતાં તેના ઘરમાંથી સીઝનલ વેચાણ અર્થે રાખેલ ૧૧૩ નંગ વિવિધ માર્કાના ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. જે આગામી દિવસોમાં આવનાર મકરસંક્રાંતિના પર્વને ધ્યાને રાખીને ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા ઘાતક બનેલી ચાઈનીઝ દોરીથી જાહેર માર્ગો પર અવરજવર કરતા રાહદારીઓ, મોટરસાયકલ ચાલકો અને આભમાં ઉડતા પક્ષીઓ માટે કપાઈ જવાની અનેક ઘટનાઓએ ગંભીર ઈજાઓથી જીવલેણ સાબિત થતાં ચાઈનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ કરવા અંગે પ્રતિબંધિત કરેલ હોવાનું જાણવા છતાં જાહેરનામાનો ભંગ કરતા કાલોલ શહેરના આ ઈસમે સીઝનલ ધંધાનો લાભ ખાટવા માટે ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરીનો જથ્થો રાખી વેપાર કરવાના ગુના હેઠળ રાજ ઉર્ફે રાજા રાકેશભાઈ પરમારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.