Home કાલોલ કાલોલ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ૧૧...

કાલોલ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ૧૧ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં: ૪ ફોર્મ ચકાસણી મુજબ રદ અને ૧ ફોર્મ પરત ખેંચાયું

162
0

કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણીના જાહેરનામા અનુસાર ૧૦ નવેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થતાં ૧૭મી નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીના સાત દિવસમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, લોક જનશક્તિ પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી સહિત ૧૪ ઉમેદવારોએ ૧૯ ફોર્મ ભર્યા છે, જેમાં ત્રણ ડમી ઉમેદવારો અને પાંચ ઉમેદવારોના બબ્બે ફોર્મનો પણ સમાવેશ થતા હતા. ફોર્મ ભર્યા પછી ૧૮ નવેમ્બરે ફોર્મ ચકાસણી દરમ્યાન ત્રણ ઉમેદવારોના ચાર ફોર્મ રદ થયા હતા, જ્યારે ૨૧ નવેમ્બર ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે માત્ર એક જ ફોર્મ પરત ખેંચી લેતા કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠક માટે ૧૧ ઉમેદવારો ફાઈનાલિસ્ટ થયા છે. જેમાં રાષ્ટ્રીય પક્ષ ગણાતા ભાજપ, કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી, પ્રાદેશિક પક્ષો ગણાતા આમ આદમી પાર્ટી, લોક જનશક્તિ પાર્ટી, પ્રજા વિજય પાર્ટી, પચાસી પરિવર્તન પાર્ટી અને ગુજરાત વિજય પાર્ટી મળીને પાંચ ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો મતદારોના મેદાનમાં રહ્યા છે. તદ્ઉપરાંત તમામ અપક્ષ ઉમેદવારોને ચુંટણી તંત્ર દ્વારા સોમવારે નિશાન પણ ફાળવી દેવામાં આવ્યા હતા.

કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠક પર બેલેટ લિસ્ટ અનુસાર ફાઈનાલિસ્ટ ઉમેદવારો

૧) પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ- કોંગ્રેસ
૨) ફતેસિંહ વખતસિંહ ચૌહાણ- ભાજપ
૩) સતિષકુમાર રમેશભાઈ વાઘેલા- બસપા
૪) વિજયસિંહ મગનસિંહ ચૌહાણ- ગરવી ગુજરાત પાર્ટી
૫) જયેશકુમાર શાન્તુભાઇ રાઠોડ- પચાસી પરિવર્તન સમાજપાર્ટી
૬) મહેન્દ્રસિંહ રામસિંહ જાદવ- લોક જનશક્તિ પાર્ટી
૭) રામેન્દ્રસિંહ જશવંતસિંહ ઠાકોર- પ્રજા વિજય પક્ષ
૮) દિનેશભાઇ કનુભાઇ બારીઆ- આમ આદમી પાર્ટી
૯) દેવેન્દ્રસિંહ વાઘસિંહ જાદવ- અપક્ષ
૧૦) પુનમભાઇ મડાભાઇ હરિજન- અપક્ષ
૧૧) ડાહયાભાઇ જેસીંગભાઇ વણકર- અપક્ષ

અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમાં પહેલી વખત ૧૧ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવતા આશ્ચર્ય સર્જાયું છે, જેમાં ખાસ કરીને કાલોલ વિધાનસભા બેઠકના ૧૧ ઉમેદવારો‌ પૈકી ત્રણ ઉમેદવારો અડાદરા-ભુખી પંથકના બે ગામોના જ જોવા મળતા અડાદરા પંથકમાં લોકચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે અડાદરા, ભુખી અને આથમણા ગ્રામ પંચાયતોના સ્થાનિક સરપંચોએ આચરેલા વિકાસના કામો અંગે સ્થાનિક પ્રજામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેને પગલે સ્થાનિક અપક્ષ ઉમેદવારોએ માથું ઊંચક્યું હોવાની લોકચર્ચા ઉઠવા પામી છે.

અહેવાલ:મયુર પટેલ
કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here