- સગીરાને બે દિવસ પૂર્વે રાત્રીના અગાસીમાં મળવા આવેલ સંબંધીને ભાઈ અને પાલક માતા જોઈ જતા ખેલાયો ખુની ખેલ
- પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા સગા ભાઈ અને પાલક માતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
વેરાવળ તાલુકાના મેઘપુર ગામે 20 વર્ષીય સગા ભાઈએ પાલક માતાની મદદથી 15 વર્ષીય સગીર વયની સગી બહેનને કૌટુંબીક સગા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી પટ્ટા અને લાકડીથી બેરહેમીપુર્વક માર મારી હત્યા નિપજાવી દીધાની ઘટના સામે આવતા ચકચાર પ્રસરી છે. આ મામલે એલસીબી અને સ્થાનીક પોલીસે આરોપી સગા ભાઈ અને પાલક માતાને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ હત્યાનો ભેદ ઉકેલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાઈ – બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે સવારે વેરાવળ તાલુકાના મેધપુર ગામે જરીનાબેન દાદાભાઇ કાતીયારના ધરના ફળીયામાં એક સગીર યુવતીની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરતા સગીરા સલમા નુરમહમદ કાતીયાર ઉ.વ.15 હોવાનું અને બારેક વર્ષ પૂર્વે તેણીના માતા પિતાનું અવસાન થયા બાદ સંબંધી જરીનાબેન દાદાભાઈ કાતીયાર સાથે મેધપુરમાં જ જે ઘરેથી લાશ મળી ત્યાં જ રહેતી હતી. જેથી પોલીસે પ્રથમ સલમાના મૃત્યુ અંગે જરીનાબેનની પુછપરછ કરતા તેઓ ઘટનાની રાત્રીના પ્રભાસ હોસ્પીટલ ખાતે પોતાના સંબંધી દાખલ હોય ત્યાં હોવાથી કશું જાણતા ન હોવાનું જણાવતા હતા. જયારે પાડોશીઓને પણ કઈ ખબર ન હોવાનું પુછપરછ કરતા જાણવા મળેલ હતુ. જો કે, સગીરનો મૃતદેહ જોતા હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાતુ હતુ.
જેથી એલસીબી પીઆઈ એ.એસ.ચાવડા તથા પીઆઈ એ.એમ. મકવાણાએ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવીને સીસીટીવી ફુટેજો, ટેકનીકલ રીસોર્સ, હ્યુમન રીસોર્સથી માહિતી એકત્ર જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન એલસીબી પીએસઆઈ વી.કે.ઝાલા, પીએસઆઈ ડી.એમ.કાગડાએને મળેલ સચોટ હકીકતના આધારે મૃતક સલમા સાથે સંપર્ક ધરાવતા શખ્સોને રાઉન્ડ અપ કરીને આગવીઢબે પુછપરછ હાથ ધરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.
જે અંગે માહિતી આપતા એલસીબી પીઆઈ એ.એસ. ચાવડાએ જણાવેલ કે, મૃતક સગીરા સલમાની હત્યા તેના 20 વર્ષીય સગા ભાઈ સિકંદર નુરમહમદ કાતીયારએ પાલક માતા જરીનાબેન કાતીયારની મદદથી કરી છે. કારણ કે, મૃતક સલમાને તેના કૌટુંબિક સગા ઇસ્માઇલ ઉર્ફે ભાભલા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. બે દિવસ પૂર્વે ઘટનાની રાત્રીના ઇસ્માઇલ ઉર્ફે ભાભલો મૃતક સલમાના ઘરની અગાસી ઉપર જોવા મળતા તેને શબક શિખડાવવા માટે સિકંદર અને જરીનાબેનએ પ્રથમ ભાભલાને મુંઢ માર મારતા તે નાસી ગયો હતો. બાદમાં બંન્નેએ સલમાને આડેધડ ઢીકાપાટુનો તેમજ પટ્ટા- લાકડી વડે ક્રૂરતાપૂર્વક મારમારી પીલોર સાથે માથુ ભટકાડી હત્યા નિપજાવી હતી. બાદમાં બંન્નેએ સલમાને છાપરા નીચેથી સલમાના મૃતદેહને ઢસડીને ઘરની ઓસરીમાં લઈ મુકી દીધી હતી.