અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. અચાનક શહેરમાં પોલીસ કમિશ્નરે કરેલા આદેશથી પોલીસ વિભાગમાં દોડધામની સાથે ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે.
અમદાવાદ શહેરમાં ફરી એકવાર આંતરિક બદલી કરાઇ છે. ત્યારે આ વખતે કમિશ્નર દ્વારા શહેરમાં ફરજ બજાવતા 10 PI તો 56 PSI ની આંતરિક બદલી કરવામાં આવી છે. બદલીના આદેશથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આ અંગે પોલીસ કમિશ્નરના હુકમમાં જણાવ્યા અનુસાર વહીવટી કારણોસર કરવામાં આવેલી બદલીઓને ધ્યાને રાખીને જે તે અધિકારીએ તાત્કાલિક પોતાના બદલીના સ્થળે હાજર થઈને રિપોર્ટ કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં કરાયેલ આંતરિક બદલી આ પ્રમાણે છે. જેમાં અમદાવાદ શહેરમાં મનપસંદ જીમખાનામાં રેડ બાદ દરિયાપુરના PI ની બદલી કરાઇ છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચના 3 PI ની પણ બદલી કરવામાં આવી છે. તેમજ ખોખરા, EOW અને SOGના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. અગાઉ દરિયાપુર વિસ્તારના મનપસંદ જીમખાનામાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરતાં 27 જુગારીઓ જુગાર રમતાં ઝડપાયા હતા. ત્યારે આ જીમખાનાની આડમાં જુગારધામ ચલાવનાર ગોવિંદ ઉર્ફે ગામના પટેલની ધરપકડ કરાઇ હતી. આની પહેલા પણ સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં 180 જુગારીયા લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. આમ અત્યાર સુધી 10 થી વધુ વખત મનપસંદ જીમખાનામાં દરોડા પાડવામાં આવેલાં છે.
ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં જુગાર અને દારૂની રેડ બાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે એક ફટકામાં બદલીના ઓર્ડર કરી દેતાં પોલીસ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે હવે અનેક PI અને PSIના સ્થાને હવે નવા અધિકારીને મૂકવામાં આવ્યા છે.