અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા જિમખાનામાં ચાલતા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. ક્રાઈમબ્રાન્ચે અહીં દરોડા પાડી 27 જુગારિયાની ધરપકડ કરી છે. મનપસંદ જિમખાનામાં એક જ મહિનામાં ક્રાઈમબ્રાન્ચની આ બીજી મોટી રેડ છે. આ સાથે જ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. એક પછી એક પોલીસ દરોડા પાડે છે, પરંતુ આરોપીઓ પોતાની વગનો ઉપયોગ કરી ફરી અહીં જુગારધામ શરૂ કરી દે છે.
27 જુગારી ઝડપાયા
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને બાતમી મળી હતી કે, દરિયાપુર પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર આવેલા મનપસંદ જિમખાનું ફરી ધમધમતું થઈ ગયું છે. ત્યારબાદ મોડી રાત્રે ક્રાઈમબ્રાન્ચે જિમખાનામાં દરોડા પાડ્યા હતા. અહીં બધા જુગારિયાઓ એક થઈને જુગાર રમતા હતા. આ દરોડામાં ક્રાઈમબ્રાન્ચે મુખ્ય આરોપી ગોવિંદ પટેલની ધરપકડ કરી હતી. એટલું જ નહીં, ક્રાઈમબ્રાન્ચે જિમખાનામાંથી જુગારના હિસાબની ચિઠ્ઠી અને રોકડ રકમ જપ્ત કર્યા હતા. આ કોઈ પહેલી વાર જિમખાનામાં દરોડા નથી પડ્યા. આ પહેલા ઘણી વખત પોલીસ જિમખાનામાં આવી કાર્યવાહી કરી ચૂકી છે. અહીં એક, બે નહીં પરંતુ એક ડઝનથી પણ વધુ વખત પોલીસના દરોડા પડી ચૂક્યા છે. જોકે, આ આરોપીઓની ધરપકડ થાય ત્યારબાદ ફરી તેઓ છૂટી જાય અને ફરી અહીં જુગારધામ ધમધમતું શરૂ થઈ જાય છે. મહત્વનું છે કે, એક જ મહિનામાં 2 મોટા દરોડા પડતાં સ્થાનિક પોલીસની કામગીરી પર લોકો સવાલ ઊઠાવી રહ્યા છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, મનપસંદ જિમખાનાના માલિકો સાથે સ્થાનિક પોલીસની સાંઠગાંઠ છે.
સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં
દરિયાપુર પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરની દૂર જ આ મનપસંદ જિમખાના આવેલું છે, જ્યાં અવારનવાર જુગારધામ ધમધમતું હોય છે, પરંતુ પોલીસને આ વાતની ખબર ન હોય તે વાત પર વિશ્વાસ કરવો અઘરો બની જાય છે. ત્યારે ક્રાઈમબ્રાન્ચની ટીમે અહીં દરોડા પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું. એટલે સ્થાનિક પોલીસ પર સવાલો ઊઠી રહ્યા છે.