અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ગંદકી કરતાં એકમો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ઝુંબેશ દરમિયાન ઉ.પશ્ચિમ ઝોનમાં 6 એકમોને સીલ કરવામાં આવ્યા છે. જ્યારે 64 એકમોની તપાસ કરવામાં આવી હતી. મ્યુનિ.એ આમાંથી 39 એકમોને નોટિસ ફટકારી છે. અન્ય એક કાર્યવાહીમાં કોર્પોરેશને 10.3 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો અને 52,500નો દંડ વસુલવામાં આવ્યો છે.
AMC એ સીલ કરાયેલા એકમોમાં ચાંદલોડિયાની અતુલ બેકરી, થલતેજ ગુરુકુળ રોડ પરની બ્લુ બર્ડ ક્લોથ શોપ, ગુરુકુળ રોડ પરના મેડિકલ સ્ટોર, ડ્રેગન ટેટુ સ્ટોર, મૌસમ ક્લોથ શોપ તેમજ આરા ક્લોથ શોપનો સમાવેશ થાય છે. તેમજ શહેરને સ્વચ્છ રાખવા મ્યુનિ.એ ઝુંબેશ ચલાવી છે. કોમર્શિયલ એકમો દ્વારા ફેલાવાતી ગંદકી તેમજ પ્લાસ્ટિકનો કચરો ગટરોમાં ભરાઈ જતો હોવાથી ચોમાસામાં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી અને ગટરો બેક મારવા સાથે પાણી પણ ભરાઈ જતાં હોય છે.