ચીનના હોંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના ખેલાડીઓ આ એશિયન ગેમ્સમાં દેશનો ડંકો વગાડી રહ્યા છે. ભારતે અત્યાર સુધી 56 મેડલ પોતાના નામે કર્યા છે. સતત 9મા દિવસે ભારતનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. તો આવો જાણીએ, ભારતે અત્યાર સુધી કઈ કઈ રમતમાં મેડલ્સ જીત્યા છે.
પહેલી વાર એક જ દિવસમાં આટલા બધા મેડલ જીત્યા
એશિયન ગેમ્સમાં 8મા દિવસે ભારતે 3 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યા હતા. એક જ દિવસમાં આટલા બધા મેડલ ભારત પહેલી વખત જીત્યું છે. તો હવે આજે 9મા દિવસે પણ ભારતીય ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરે તેવી આશા છે. ભારતે અત્યાર સુધી 13 ગોલ્ડ, 21 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ સહિત 56 મેડલ જીત્યા છે. આજે (સોમવારે) ભારતને ટેબલ ટેનિસમાં વધુ એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે. આ સાથે જ 9મા દિવસમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. ભારતની મહિલા ટેબલ ટેનિસ વુમન્સ ડબલ્સ ટીમે આ મેડલ દેશને અપાવ્યો છે. સેમિ ફાઈનલમાં અયહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જીને નોર્થ કોરિયાની જોડી સામે 3-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ બંને ખેલાડી ભારતની પહેલી એવી જોડી બની ગઈ છે, જેમણે એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસની મહિલા ડબલ્સ સ્પર્ધામાં મેડલ મેળવ્યો હોય. હારનો સામનો કર્યા છતાં તેમણે ઇતિહાસ રચ્યો છે.
પીટી ઉષાના રેકોર્ડની બરાબરી
જ્યારે વિથ્યા રામરાજે વુમન્સ 400 મીટર હર્ડલની ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. તે દરમિયાન વિથ્યાએ દિગ્ગજ પીટી ઉષાના રાષ્ટ્રીય રેકોર્ડ (55.42 સેકેન્ડ)ની પણ બરાબરી કરી લીધી છે. બીજી તરફ ભારતીય ખેલાડી સંતોષ કુમાર અને યશસ પલાક્ષ પુરૂષોની 400 મીટર હર્ડલની ફાઈનલમાં પહોંચી ગયા છે. સંતોષ પોતાની હિટમાં 49.28 સેકેન્ડનો સમય લઈને બીજા સ્થાન પર રહ્યો હતો. જ્યારે યશસે પોતાની હિટમાં 49.61 સેકેન્ડની સાથે બીજું સ્થાન મેળવ્યું હતું.
9મા દિવસે પણ જોરદાર પ્રદર્શન
તો પુરૂષોના હાઈ જમ્પમાં સંદેશ જેસી અને સર્વેશ કુશારે ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યા છે. બંનેએ ક્વાલિફિકેશનમાં 2.10 મીટરની જોરદાર છલાંગ લગાવી હતી. ઉપરાંત રોલર સ્કેટિંગમાં ભારતે 2 મેડલ જીત્યા છે. સૌથી પહેલા કાર્તિકા, જગદીશ્વરન્, સંજના બથુલા, હિરલ સાધુ અને આરતી કસ્તૂરીની જોડીએ વિમન્સ 3,000 મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ વિક્રમ રાજેન્દ્ર ઇંગલે, આર્યનપાલ સિંહ ઘુમન, સિદ્ધાંત રાહુલ કાંબલે અને આનંદકુમાર વેલકુમારે મેન્સ 3,000 મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. મહત્વનું છે કે, એશિયન ગેમ્સનો આજે 9મો દિવસ છે. ત્યારે પોઈન્ટ ટેબલમાં અત્યાર સુધી ચીન સૌથી આગળ છે. જ્યારે જાપાન બીજા અને કોરિયા ત્રીજા નંબર પર છે. તો 13 ગોલ્ડ મેડલ સહિત 55 મેડલ સાથે ભારત આ પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાન પર રહ્યું છે. આ પહેલા ભારત છઠ્ઠા સ્થાન પર હતું. ત્યારબાદ મેડલની સંખ્યા સતત ઉપર જતાં ભારત હવે ચોથા સ્થાન પર રહ્યું છે. આશા છે કે, ભારતીય ખેલાડીઓના વધુ સારા પ્રદર્શનથી ભારત પોઈન્ટ ટેબલ પર ટોપ 3માં સ્થાન મેળવી લેશે.