મુળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના રહેવાસી જવાન મહિપાલસિંહ વાળા શુક્રવારના રોજ થયેલા આતંકી હુમલામાં ઘાયલ થયા હતા. જ્યાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા બાદ તેમણે અંતિમશ્વાસ લીધો હતો. ત્યારે તેમની સાથે અન્ય 2 જવાનો પણ શહીદ થયા હતા. મહિપાલસિંહ વાળાના પાર્થિવદેહને એરકાર્ગો મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. વાત કરીએ તો મહિપાલસિંહ વાળાનો પાર્થિવદેહ અમદાવાદ લાવ્યા બાદ અંતિમયાત્રા નીકળી હતી.
શહીદવીર મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદી વહોરી હતી. ત્યારે વાયુસેનાના એરકાર્ગો મારફત તેમના પાર્થિવદેહને વતનમાં લાવવામાં આવ્યો હતો. વિરાટનગર ખાતે તેમના નિવાસસ્થાને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. માં ભોમની સેવામાં શહીદી વહોરનાર વીર શહિદ મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતા અને શહીદવીરના બલિદાન માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ શહીદ વીરની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિરાટનગર વિસ્તારમાં વેપારીઓએ વિસ્તારમાં સ્વયંભુ બંધ રાખી અતિંમ યાત્રામાં જોડાયા હતા. વાત કરવામાં આવે તો શહીદવીર મહિપાલસિંહ વાળાના ઘરે તેમની પત્નીએ દિકરાને જન્મ આપ્યો છે. એક તરફ પુત્રએ દુનિયામાં જન્મ લીધો ને ત્યાં બીજી તરફ પિતાએ અંતિમશ્વાસ લીધો !!!!!