ગાંધીધામની પીએમ આંગડિયા પેઢીમાં થયેલી 1.05 કરોડની લૂંટનો આખરે ભેદ ઉકેલાયો છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચે લૂંટમાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી 96 લાખની રોકડ રકમ સહિત 1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ, ગાંધીધામના એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો પહેલા પીએમ આંગડીયા પેઢીના કર્મચારીઓને પિસ્તોલ બતાવી રોકડા 1.05 કરોડની લૂંટ ચલાવાઈ હતી.
ત્યારે તે ગુનામાં લોકલ ક્રાઈમ બ્રાંચ, ગાંધીધામ એ ડિવીઝન, બી ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા 10 ટીમો બનાવીને CCTV ફૂટેજના આધારે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, લૂંટ કરનાર ટોળકી 2022થી રેકી કરી લૂંટને અંજામ આપવાની ફીરાકમાં હતી. આરોપીઓની પૂછપરછમાં વધુ ચાર લોકોના નામ પણ સામે આવ્યા છે, જેમની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.