અમદાવાદીઓ જમવાના શોખીન હોય છે. એમાં પણ વીકેન્ડ્સમાં તો બહાર જમવાનું ફિક્સ જ હોય છે. પરંતુ ક્યાંક અમદાવાદીઓને સ્વાદનો ચટાકો ક્યાંક ભારે ન પડી જાય. અમદાવાદના ફેમસ આલ્ફા વન મોલમાં ફેમસ રેસ્ટોરન્ટ KFC ના પીવાના પાણીમાં બેક્ટેરીયા મળી આવ્યા છે. પાણીનું સેમ્પલ અનફીટ આવતાં ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા KFC રેસ્ટોરાંને સીલ મારવામાં આવ્યું છે.
અમદાવાદ AMC હેલ્થ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આલ્ફાવન મોલમાં આવેલા KFC ફાસ્ટફુડ યુનિટને સીલ કરવામાં આવ્યુ છે. KFCના પીવાના પાણીમાંથી કોલીફોર્મ અને ઇકોલાઇ નામના બેક્ટેરીયાનુ પ્રમાણ વધારે મળી આવ્યુ. જેથી ઉત્તર પશ્ચિમ ઝોન હેલ્થ વિભાગે કાર્યવાહી કરી રેસ્ટોરન્ટને સીલ માર્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આરોગ્ય વિભાગ ખાદ્ય ચીજવસ્તુઓને લઈને એકશન મોડમાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાંથી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ પકડાઈ રહી છે. ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વેચાઈ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવ્યું કે, રેસ્ટોરન્ટ્સ અને હોટલમાં ગંદકી અને ખરાબ પાણી હોય છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે દરોડા પાડીને કાર્યવાહી કરી રહી છે. વિવિધ રેસ્ટોરન્ટના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે.