પાટણ:૧૧ જાન્યુઆરી
કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ માસ્ક એ કોરોના વાયરસના સંક્રમણથી બચવાનો અસરકારક ઉપાય છે અને જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ માસ્ક ફરજીયાત છે ત્યારે પાટણ પ્રાંત કચેરી, આર.ટી.ઓ. કચેરી અને એસ.ટી. વિભાગ દ્વારા માસ્ક પહેરવાની અપીલ સાથે અવેરનેસ ડ્રાઈવ યોજી હતી અને માસ્ક ન પહેરનાર લોકોને પોલીસ વિભાગે દંડ વસૂલ કર્યો.મદદનીશ કલેક્ટર સચિનકુમારના માર્ગદર્શન અને એ.આર.ટી.ઓ. એસ.કે.ગામીતના નેતૃત્વ હેઠળ પ્રાંત કચેરી તથા સહાયક પ્રાદેશિક કચેરી દ્વારા માસ્ક અવેરનેસ ડ્રાઈવ યોજાઈ. શહેરના ટી.બી.ત્રણ રસ્તાથી બગવાડા દરવાજા સુધી માસ્ક અવેરનેસ ડ્રાઈવ અંતર્ગત લોકોને માસ્ક પહેરવા અંગે સમજૂતિ આપવામાં આવી. સાથે સાથે માસ્ક વગર ફરતા લોકો, દુકાનદારો તથા ફેરીયાઓને માસ્કનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું.
એસ.ટી. વિભાગ દ્વારા પાટણ એસ.ટી.ડેપો ખાતે પેસેન્જર્સમાં ખાસ કરીને બસ પરિવહન સેવાનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓમાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે તે માટે માસ્કનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું. તો ૦૪ વિદ્યાર્થીઓ પાસેથી ટોકનરૂપે રૂ.૫૦ લેખે કુલ રૂ.૨૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો.
સાથે જ પોલીસ વિભાગ દ્વારા માસ્કના ફરજીયાત ઉપયોગ અંગેના જાહેરનામાના ભંગ બદલ તા.૧૦ જાન્યુઆરીના રોજ જિલ્લામાં ૩૪ લોકો પાસેથી કુલ રૂ.૩૪,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો. આગામી દિવસોમાં પોલસ વિભાગ દ્વારા માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.