Home ખેડા કપડવંજના ૫ સખીમંડળને દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રૂ.૬,૭૦,૦૦૦...

કપડવંજના ૫ સખીમંડળને દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રૂ.૬,૭૦,૦૦૦ ની લોનનો લાભ મળ્યો

244
0

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની સરકાર મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવા અનેક યોજનાઓ મારફતે સહકાર પૂરો પાડી સેવા આપવાનું અમૂલ્ય કાર્ય કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિ ધ્યેયમંત્ર આપ્યો હતો. જેને પરીપૂર્ણ કરવા અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ અને કાર્યરત રહી છે. અને આ વિકાસની સરવાણી આગળ વહાવી રહી છે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વડીયાના કુવા ગામની મહિલાઓ.  

ડેરી ઉદ્યોગ ગામડાના અર્થતંત્રને ગતિ આપવાની સાથે લાખો લોકોની આજીવિકા સાથે સંકળાયેલું મુખ્ય સાધન છે. છેવાડાનાં ગામ સુધી રાજ્ય સરકારની યોજનાઓ પહોંચી છે અને ગામે-ગામે દૂધ મંડળીના માધ્યમ સાથે ગામડાનાં લોકો જોડાયેલા છે. 

૪૯મી ડેરી ઇન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ૪૫૦૦ જેટલી દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે. દેશના કુલ દૂધ ઉત્પાદનમાંથી ૩૦% ઉત્પાદન ગુજરાત કરે છે. તેમજ રાજ્યમાં અંદાજે ૧૫૦ કરોડ રૂપિયા રોજ દૂધ ઉત્પાદકોને ચૂકવાય છે.  

મહિલાઓના જીવન ધોરણમાં સુધારો આવે અને તેમના પ્રગતિનો પથ સતત કોઈ પણ અડચણ વિના આગળ વધતો રહે તે માટે રાજ્ય સરકારે આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ તથા ગ્રામીણ અને શહેરી વિકાસ એકમોનું એકમેક સાથે જોડાણ કરી તેમને આજીવિકા આપવાનો સફળ પ્રયત્ન પણ કર્યો છે. જે પૈકી એક એકમ છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ચાલતા સખી મંડળો.

ખેડા જિલ્લામાં હાલમાં ૧૦,૬૬૭ સખીમંડળ કાર્યરત છે. જેમાં કુલ ૧,૦૬,૬૭૦ બહેનો કામ કરી રહી છે. ગામમાં ૧૦ બહેનો ભેગી થઈને સખીમંડળ બનાવે ત્યારબાદ ૫ થી ૧૦ સખીમંડળ ભેગા થઇ સખી સંઘ/ ગ્રામ સંગઠન બનાવે છે. આ સખીસંઘ માં જોડાયેલ દરેક સેલ્ફ હેલ્પ ગ્રુપ(SHG)ને ૧.૫૦ લાખ સુધીની લોન વાર્ષિક ૯%ના વ્યાજ દરે C.I.F (કમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ) અંતગર્ત આપે છે. સખી સંઘને  ગ્રામ સંગઠન અને  વિલેજ ઓર્ગેનાઈઝેશન(V.O) તરીકે પણ ઓળખવામાં આવે છે. 

વડિયાના કુવા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી “ 

સંગઠનથી સમૃદ્ધી તરફ કામ કરી વિકાસની દિશામાં કપડવંજના સખીમંડળની બહેનોએ આત્મનિર્ભર બની સમાજ માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડીયાના કુવા ગામની મહિલાઓ આજીવિકા યોજના દ્વારા આત્મનિર્ભર બની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા. 

વડીયાનાકુવા ગામ નવાગામ પંચાયતનું પેટા પરુ છે. આ ગામમાં આશરે ૫૨૦ વસ્તી છે. ગામમાં હર્ષદભવાની સખીમંડળ, દીપેશ્વરી સખીમંડળ, ચેહરભવાની સખીમંડળ, જય હનુમાન સખીમંડળ અને જય ગુરુદેવ સખીમંડળ, એમ કુલ ૫ સખીમંડળ જોડાયેલા છે. 

મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી આ દૂધ મંડળીમાં ૫૪ મહિલાઓ સખીમંડળ થકી જોડાયેલી છે. તેમજ અન્ય મહિલાઓ સભાસદ તરીકે દૂધ મંડળી સાથે જોડાયેલ છે. આમ હાલ વડીયાના કુવા ગામની કુલ ૭૦ મહિલાઓ આ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કાર્યરત છે. 

આ મંડળીના ચેરમેન પરમાર હરખાબેન નટવરભાઈએ જણાવ્યું કે અમારા ગામમાં વર્ષ ૨૦૨૨ પહેલા આવી કોઈ સુવિધા નહોતી. પણ સરકારની આજીવિકા યોજના અંતગર્ત અમે સખી મંડળમાં લોન મેળવી અને બધી બહેનોએ નિર્ણય લઇ લોનનો ઉપયોગ ગામના વિકાસમાં કરીએ તેવું વિચારતા હતા એટલે મહિલા દૂધ સહકારી મંડળી બનાવવાનું સપનું આજીવિકા યોજના થકી સાકાર થયું. હાલમાં આ સહકારી દૂધ મંડળીમાં કુલ ૫૪ સભાસદો છે જે અમારી સાથે જોડાયેલા છે. હાલમાં ૭૦ મહિલા પશુપાલકો અહિયાં દૂધ ભરાવવા આવે છે. તેમજ સવારે ૬ થી ૮ અને સાંજે ૬ થી ૮ના સમયગાળામાં દૂધ ભરવામાં આવે છે. દૂધ ભરવા માટે અમે ૧૦૦૦ લીટરનો ટાંકો બનાવડાવ્યો છે. આ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સવારે ૫૨૫ લીટર આસપાસ અને સાંજે ૫૨૫ લીટર આસપાસ દૂધ ભરવામાં આવે છે. આ પહેલા ગામની મહિલાઓને છોકરાઓને રડતાં મુકીને દૂધ ભરાવવા જવાનો જીવ ન ચાલે તો પણ ૨-૪ કી.મી. ચાલીને બાજુના ગામમાં દૂધ ભરાવવા જવું પડતું હતું અને હવે ચાલીને બીજા ગામમાં દૂધ ભરવા જવું પડતું નથી કેમ કે ગામમાં જ આ દૂધ મંડળી ખુલી ગઈ છે એટલે અમારો સમય ઘણો બચે છે. ગામમાં દૂધ સહકારી મંડળીની સ્થાપના કરી આત્મનિર્ભર બન્યા તે બદલ હરખાબેન સરકારને આજીવિકા યોજનાનો લાભ આપવા બદલ આભાર વ્યક્ત કરે છે. 

દૂધ મંડળીના સેક્રેટરી પરમાર બાલુબેને જણાવ્યું કે આ દૂધ મંડળી નહોતી તે સમયે અમને બહુ તકલીફ પડતી કારણ કે ચોમાસામાં બરણીમાં દૂધ લઈને જતા દૂધ બગડી જવાની ચિંતા રહેતી હતી અને ક્યારેક ઘરમાં પ્રસંગ હોય તે સમયે પણ દૂધ આપવા જવામાં પણ સમયનો બગાડ થતો હતો. આમ ખુબ જ ઉત્સાહ સાથે લાગણી વ્યક્ત કરતા બાલુબેને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.  

કપડવંજના તાલુકા લાઇવલીહુડ મેનેજર(T.L.M) જીગીશાબેન ગામ વિશે જણાવતા કહે છે કે ગ્રામ સંગઠનમાં ઘણી બધી જગ્યાએ મીટીંગ યોજીને સખીમંડળની બહેનોને યોજનાઓ વિશે સમજાવવામાં આવે છે. વડીયાના કુવા ગામની આ મંડળીમાં ૭૦ મહિલાઓ હાલમાં કાર્યરત છે. એન.આર.એલ.એમ(નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન) યોજના અંતગર્ત ગામના સખીમંડળોએ રૂ.૬,૭૦,૦૦૦ની લોન આજીવિકા યોજના હેઠળ બેંક અને સખીસંઘ માંથી મેળવી. ત્યારબાદ તેઓએ યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાનો વિચાર કરી આ દૂધ મંડળી બનાવી. ગામમાં આ દૂધ સહકારી મંડળી બનવાથી બહેનોનો સમય ઘણો બચ્યો છે. અગાઉ વડીયાના કુવા ગામના પશુપાલકોને નવાગામ દૂધ મડંળીમાં દૈનિક સવાર સાંજ દૂધ ભરવા માટે જવું પડતું હતું. આમ બીજા ગામમાં ચાલીને જવાની સમસ્યાનો હલ થયો છે. આ ઉપરાંત એન.આર.એલ.એમ અંતગર્ત બેંક રૂ. ૧ લાખ થી ૬ લાખ સુધીની લોન સખીમંડળને આપે છે. જે અંતર્ગત કપડવંજ તાલુકાના આ ૫ સખીમંડળને એન.આર.એલ.એમ હેઠળ રૂ. ૬,૭૦,૦૦૦ની લોનનો લાભ બેંક દ્વારા તેમજ સખીસંઘ દ્વારા સી.આઈ.એફ(કમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ) નો લાભ મળેલ છે. સખી સંઘ દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપ (S.H.G)ને વાર્ષિક ૯% દરે લોન મળે છે. આજીવિકા યોજના હેઠળ સખીસંઘ દ્વારા એક સખીમંડળને રૂ. ૭૦,૦૦૦, એમ ૩ સખીમંડળને અત્યાર સુધીમાં રૂ. ૨,૧૦,૦૦૦ની લોનનો લાભ મળવાપાત્ર થયો છે.

ક્લસ્ટર કોર્ડીનેટર અનશુયાબેન ત્રિવેદી જણાવે છે કે ગામમાં ૫ સખી મંડળ કાર્યરત છે અને ગામમાં રેગ્યુલર મીટીંગનું આયોજન કરાવી બહેનોને આર્થિક રીતે પગભર બનવા માટે અને લોન મેળવવા માટેના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે. તેમજ બેંક લોનને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. દૂધ મડંળી શરૂ કરવા મંડળમાં મળતી બેંક લોન અને ગ્રામ સંગઠન મારફતે બહેનોને વ્યક્તિગત મળતી સી.આઈ.એફ.ની રકમનો ઉપયોગ કરી ૧૦૦૦ લીટર દૂધ ભરવાની કેપેસીટીની દૂધ મડંળી શરૂ કરવામાં આવી જેથી ગામના સખીમંડળના બહેનો અને અન્ય સભાસદો ગામમાં જ દૂધ ભરાવી શકે છે.   

 “ N.R.L.M. (નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન) એટલે આજીવિકા યોજના “ 

ઉલ્લેખનીય છે કે નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લામાં D.L.M (ડીસ્ટ્રીકટ લાઈવલી હુડ મેનેજર)દ્વારા સમગ્ર યોજનાઓનું મોનીટરીંગ કરવામાં આવે છે. તેમજ ખેડા જિલ્લામાં ડી.એલ.એમ સાથે  ૦૫ A.P.M(આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર) ની ટીમ દ્વારા યોજનાઓના અસરકારક અમલીકરણ માટે ખેડા જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ટેકનીકલ બાબતો અને યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. 

આ ઉપરાંત કપડવંજ તાલુકામાં ૧૦૨ ગામની ૧૦૨ ગ્રામ પંચાયતમાં N.R.L.M યોજના હેઠળ એક તાલુકા લાઈવલીહુડ મેનેજર તેમજ ૨ આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર(A.P.M) કાર્યરત છે. દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) એ ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખ્ય યોજના છે, જેનો હેતુ સ્વ-સહાય જૂથો જેવી સામુદાયિક સંસ્થાઓ દ્વારા ગરીબ મહિલાઓને લાભ આપવાનો છે, જેથી ગ્રામીણ ગરીબીને દૂર કરી શકાય. બીજો ધ્યેય તેમને બેંકોમાંથી આવશ્યક ધિરાણ ઉપલબ્ધ કરાવીને તેમના આજીવિકાનો આધાર મજબૂત કરવાનો છે. આ મિશન જૂન ૨૦૧૧માં શરૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન જે મિશન મંગલમ યોજના તરીકે પ્રચલિત છે. જેમાં ગ્રામીણ મહિલાઓ સ્વ સહાય જૂથ (SHG) બનાવી શકે છે. ૨૦૨૪ સુધીમાં લગભગ ૧૦ કરોડ મહિલાઓ સ્વ-સહાય જૂથો સાથે જોડાઈ જશે. 

ગામની બહેનોને N.R.L.M યોજના બેંક લોન અંતગર્ત કોઈ પ્રશ્નો મુંજવતા હોય તો તેના વિશે APM તેમને માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત કપડવંજ તાલુકામાં ૫ ક્લસ્ટર કોર્ડીનેટર કાર્યરત છે. તેઓ સખીમંડળનું ધ્યાન રાખે છે. વડિયાના કુવા ગામની બહેનોએ છેલ્લા ૧૦૦ દિવસમાં અંદાજે રૂ. ૨,૦૦,૦૦૦નો ફાયદો આ દૂધમંડળી થકી મેળવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here