આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગતવર્ષે 15 ઓગસ્ટના રોજ હરઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પછી આ વર્ષે પણ લોકોમાં હર ઘર તિરંગા અભિયાન માટે આહવાન કરાયું છે. ત્યારે રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગમાં રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે અત્યાર સુધી 2થી 3 લાખની કિંમતના રાષ્ટ્રધ્વજનું વહેંચાણ કરવામાં આવ્યું છે. હજુ આગામી 15 ઓગસ્ટ સુધીમાં આ આંકડો 4 લાખ સુધી પહોંચી જશે, તેવી આશા સેવામાં આવી રહી છે. જો કે, પાછલા વર્ષની સરખામણીએ 50% માનવામાં આવી રહ્યું છે.
ખાદીના રાષ્ટ્રધ્વજની ડિમાન્ડમાં બે વર્ષથી ખૂબ વધારે
ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પ્રિય ખાદીના રાષ્ટ્રધ્વજની ડિમાન્ડ છેલ્લા બે વર્ષથી ખૂબ વધારે જોવા મળી રહી છે. પાછલા વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણીને લઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આ વર્ષે પણ રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલ ખાદી ભંડારમાંથી અત્યાર સુધીમાં અંદાજિત 2થી 3 લાખની કિંમતના તિરંગાનું વેંચાણ થઇ ગયું છે. જે પાછલા વર્ષની સરખામણીએ અડધું માનવામાં આવી રહ્યું છે. કર્ણાટકના હુબલી શહેર ખાતે હાથ વણાટથી બનાવવામાં આવતા ખાદીના ખાસ રાષ્ટ્રધ્વજનું વહેચાણ સમગ્ર ભારતમાં કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ ખાદી ભંડારના મેનેજર જીતેન્દ્રભાઈ શુક્લએ જણાવ્યું હતું કે, કર્ણાટકના હુબલીમાં સરકાર માન્ય ખાદીના રાષ્ટ્રધ્વજ બને છે. રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા પણ ત્યાંથી જ તિરંગાની ખરીદી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસના 15 દિવસ પહેલાથી જ લોકો રાષ્ટ્રધ્વજની ખરીદી માટે આવતા હોય છે. વર્ષ 2021માં સ્વતંત્ર દિનને અનુલક્ષીને અંદાજિત 1 લાખના તિરંગાનું વેંચાણ થયું હતું. જેની સામે ગત વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન કારણે 5 લાખથી વધુ કિંમતના રાષ્ટ્રધ્વજનું વેંચાણ થયું હતું. જો કે, આ વર્ષે પણ અત્યાર સુધીમાં 3 લાખની કિંમતના રાષ્ટ્રધ્વજનું વહેચાણ થયું છે.
રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગમાં અલગ અલગ સાઇઝના રાષ્ટ્રધ્વજનું વહેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં રૂ.200થી શરૂ કરી 3000 સુધી કિંમતના તિરંગા ઉપલબ્ધ છે. મોટી સાઈઝના દોરીવાળા રાષ્ટ્રધ્વજની સાથે સ્ટેન્ડવાળા પણ ઉપલબ્ધ છે. લોકો પોતાની કાર, વાહન, ઘર, ઓફિસમાં રાખી શકે તે પ્રકારનો નાનો સ્ટેન્ડવાળો તિરંગાનું પણ વહેચાણ પ્રમાણમાં વધુ થઇ રહ્યું છે. પાછલા વર્ષે વધુ પ્રમાણમાં રાષ્ટ્રધ્વજની ખરીદી લોકોએ કરી હોવાથી આ વર્ષે પ્રમાણમાં ઓછી ખરીદી થાય એ સ્વાભાવિક છે. કારણ કે, પાછલા વર્ષે ખરીદ કરેલ રાષ્ટ્રધ્વજ સાચવીને રાખી શકાય છે, જેનો ઉપયોગ આ વર્ષે કરી શકાય.
1947ના રોજ મળેલી ‘બંધારણ સભા’ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવ્યો હતો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા ધ્વજને પસંદ કરવામાં આવ્યો હતો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે. રાષ્ટ્રધ્વજના કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કાપડ માટે ખાદી હાથ વણાટનું કાપડ ઉપયોગ કરવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ 2:3ના ગુણોત્તરમાં એટલે લંબચોરસ હોય છે.