સુરતના વેડરોડ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળમાં દરેક તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય અને લોકોમાં સાયકલનો ઉપયોગ વધે તે માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે 500 જેટલા વિદ્યાર્થીઓએ 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે લોકોમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરણા મળે તે હેતુથી સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. અને લોકોને સાયકલનો ઉપયોગ વધારી સ્વસ્થ રહેવાનો મેસેજ આપ્યો હતો.
શાળાના આચાર્ય અરવિંદ ઠેસિયા અને ધર્મેશ સલીયા તેમજ પૂ. ધર્મવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી સાયકલના ઉપયોગ અને જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી. પરિવહન માટેના એક સરળ, પોષણક્ષમ અને ખર્ચરહિત, પર્યાવરણની સુરક્ષા માટે અત્યંત અનુકૂળ સાધન એવી સાયકલનો સિમ્બોલ બનાવી ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.