સાબરકાંઠા : 11 ફેબ્રુઆરી
આ કાર્યક્ર્મો દ્રારા માતા અને બાળકોમાં પોષણ સ્તર સુધારવા માટે સાબરકાંઠા જિલ્લામાં ખાસ પહેલ કરવામાં આવી છે. – જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં કાલવણ વસાહત પ્રાથમિક શાળા ખાતે જિલ્લાકક્ષાનો કૃમિ ગોળી વિતરણનો કાર્યક્રમ અને SBCC (સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર) અને નિક્ષય પોષણ સહાય એમ ત્રિવિધ કાર્યક્ર્મ યોજાયા હતા.
સાબરકાંઠા જિલ્લા દ્રારા સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર કાર્યક્ર્મ દ્રારા માતા અને બાળકોમાં પોષણ સ્તર સુધારવા માટે ખાસ પહેલ કરવામાં આવી છે. માતૃ શિશુ અને બાળકોના પોષણ વિશે સામાજિક અને વર્તન પરિવર્તન સંચાર અંગે છેવાડાના વિજયનગર તાલુકાના કાલવણ વસાહત પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સગર્ભા ધાત્રી માતા ગ્રામજનો અને શાળાના બાળકોને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહે જણાવ્યું હતું કે સ્ત્રી મહિલાએ કુટુંબનો મુખ્ય આધાર છે. તે માતા, દીકરી, પત્ની સ્વરૂપે કુટુંબમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેની વર્તણુક કાર્ય કુટુંબની કાયાપલટમાં ચોક્કસ ભૂમિકા અદા કરે છે. બાળકોના ઉછેર, સંસ્કાર સિંચન, શિક્ષણ, વ્યક્તિ ઘડતરનું ધ્યાન રાખે છે આ આપણી ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. પરંતુ તે ઘરકામ કુટુંબ વ્યવસ્થામાં પોતાના પોષણનું ધ્યાન ક્યાંક ચૂકી જાય છે પરંતુ ધાત્રી સગર્ભા માતાઓએ પોતાનું પોષણ અને આવનાર બાળકના ભવિષ્ય માટે પોષણયુક્ત આહાર લેવું અતિ આવશ્યક છે. રાજ્ય સરકાર દ્વારા માતા અને બાળકની તંદુરસ્તી માટે પોષણ કીટમાં કઠોળ, મગ, ખજૂર જેવી વસ્તુઓ આપી છે. તે પોતે ખાય તે ઇચ્છનીય આવશ્યક છે તેમણે આપેલી વસ્તુ બીજાને ન ખવડાવે પોતે ખાય તેવો આજે સંકલ્પ કરે. પોતાની સંભાળ રાખવાની બાબતો ઉપર ભાર મૂક્યો હતો. બાળક કુપોષિત હશે તો શાળામાં આંગણવાડીમાં ખૂણામાં બેસી રહે છે રમત ગમતમાં અભ્યાસમાં ભાગ બરાબર લઈ શકશે નહીં. મનોમન પીડાશે. બાળકો કુપોષિત હોય તો સીએમટીસી કેન્દ્રમાં અપાતો તો ખોરાક અને યોજનાકીય લાભ ઉઠાવો અને આડોસ-પડોશ ગામના લોકોને આરોગ્ય સુવિધા, આંગણવાડીમાં આપવામાં આવતા ભોજન, નાસ્તો અને સરકારી સેવા લેવા સંકલ્પબધ્ધ બનાવી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ દ્વારા 60 એસબીસીસી પોષણ કીટ ધાત્રી સગર્ભા માતાને ખજૂર પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ટીબી પોષણ કીટના લાભાર્થીને વિતરણ કરવામાં આવ્યું હતું. કાલવણ પ્રાથમિક શાળા પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સુંદર શિક્ષણકાર્ય કરે છે તેની સરાહના કરી વિઝીટ બુકમાં નોંધ કરી હતી. શાળાના બાળકો શિક્ષકો સાથે ખૂટતી કડી વિશે માહિતી મેળવી હતી અને શાળાના ઓરડા અને પીવાના પાણીની વ્યવસ્થા અંગે પૂર્તતા કરવાની ખાતરી આપી હતી. આંગણવાડીની મુલાકાત લઈ ધાત્રી માતાને અપાતા ભોજન અને બાળકોને કરાવવામાં આવતી પ્રવૃત્તિઓનો તાગ મેળવ્યો હતો. આયુષ્યમાન ભારત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્ટાફ જોડે આરોગ્ય વિશે જાણકારી મેળવી હતી અને ગ્રામીણ વિસ્તારમાં ચલાવવામાં આવતી ઓ.પી.ડી. અંગે માહિતી મેળવી હતી.
જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી સુતરીયાએ માતાઓને સંબોધતા જણાવ્યું હતું કે, આવનારું બાળક ગોળમટોળ અને તંદુરસ્ત જન્મે અને સ્વસ્થ રહે તે માટે માતાઓએ પદ્ધતિસરના સ્તનપાન કરાવવાની બાબતે વિગતવાર સમજ આપી હતી. માતૃશક્તિના પેકેટનું રોજ ખોરાકમાં ઉપયોગ અને પૌષ્ટિક આહાર લેશે તો માતા અને બાળકનું સ્વાસ્થ્ય સારું અને સુંદર બનશે. આરોગ્ય વર્કર્સ, આશા વર્કર, આંગણવાડી બહેનો જે સમજાવે તે ધ્યાનપૂર્વક સમજી અમલમાં મૂકી અને એક કાયમી આદત પાડવી જોઈએ. સ્વચ્છતા જાળવવાથી પણ અનેક રોગોને આવતા અટકાવી શકાય છે.
આ કાર્યક્ર્મમાં ગ્રામ આગેવાનો, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, આરોગ્યના કર્મચારી, મહિલાઓ બાળકો, માતાઓએ અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ. રોહિત ડાયાણી (સાબરકાંઠા )