વિઠ્ઠલગઢથી આવતી પાણીની લાઈનમાં મોટી કઠેચીના ગ્રામજનોએ ગેરકાયદેસર કનેક્શનો લઈ લેતાં નાની કઠેચી ગામમાં પાણીની સમસ્યા ઊભી થઈ હતી. તંત્રએ મોટી કઠેચીથી 55 ગેરકાયદેસર જોડાણો દૂર કરી નાની કઠેચીની પાણીની સમસ્યા ઉકેલી દીધી હતી. પરંતુ પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત દૂર કરાતા મોટી કઠેચીમાં પાણીની વિકટ સ્થિતિ ઊભી થવાનો ભય સતાવી રહ્યો હતો.
આઝાદીના 74 વર્ષ પછી પણ મોટી કઠેચી ગામે પીવાના પાણીની સગવડ નહીં હોવાથી ગેરકાયદેસર જોડાણો લેવા મજબૂર બન્યા હોવાનું ગ્રામજનોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. દિવ્ય ભાસ્કરે મોટીકઠેચીના લોકોની પાણીની મજબુરી વિશે અધિકારીઓને જાણ કરી સમાચાર પ્રકાશિત કર્યાં હતા. પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકીની સુચનાને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા બોર્ડના અ.મ.ઈ એ.આર.ડોડીયા અને ટીમે 24 કલાકમાં લાઈન નાંખી મોટી કઠેચી ગામના સંમ્પમાં પાણી પહોંચતું કરી દીધું હતું. એકથી બે દિવસમાં ટેસ્ટિંગ કરી મોટી કઠેચી ગામમાં પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવી અપાશે. મોટી કઠેચીના ગ્રામજનોની પડખે ઊભા રહી તેમની પાણીની પીડાના સરકાર સુધી પહોંચાડવા બદલ દિવ્ય ભાસ્કરનો ગ્રામજનોએ આભાર માન્યો હતો. સાથે જ આઝાદી પછી પ્રથમવાર પીવાના પાણીની વ્યવસ્થા કરનાર સરકારનો પણ આભાર માન્યો હતો.
મોટી કઠેચી ગામના તમામ ઘરોમાં પાણીની લાઈનનું જોડાણ નહીં મળ્યું હોવાની રાવ ઊઠી હતી. આ અંગે મોટી કઠેચી લોકોએ જણાવ્યું હતું કે ગામના 500 જેટલા ઘર છે. પરંતુ વાસ્મો દ્વારા ગામના 350 જેટલા ઘરોમાં કનેક્શનો અપાયા છે. 150 જેટલા ઘરમાં પાણીનું જોડાણ અપાયું નથી. જો બાકી રહેલા ઘરોમાં કનેક્શન નહીં અપાય તો તેમને સંમ્પથી પાણી ભરવા જવું પડશે. બાકી રહેલા ઘરોમાં પાણીનું જોડાણ મળી રહે તેવી ગ્રામજનો માગ કરી છે.