ભાજપના લોકસભાના સાંસદ તેમજ ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ મહિલા પહેલવાનો પર જાતિય સતામણીના આરોપો લાગ્યા છે. પહેલવાનોએ જાન્યુઆરી 2023થી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા આંદોલન કરી રહ્યા છે, પરંતુ હજી સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ નોંધાયેલી બંને એફઆઈઆર સામે આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિજભૂષણ અને સેક્રેટરી વિનોદ તોમર આમાં મુખ્ય આરોપી છે. પુખ્ત કુસ્તીબાજોનો આરોપ છે કે બ્રિજભૂષણે કથિત રીતે તેમની ઘણી વખત છેડતી કરી હતી. તેમને ખરાબ રીતે સ્પર્શ કર્યો હતો. શ્વાસ તપાસવાના બહાને તેમની ટી-શર્ટ પણ ઉતરાવી દીધી હતી. તેમની વિરુદ્ધ 2 FIRમાં જાતિય સતામણીની માંગ અને છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે 28 એપ્રિલે 2 FIR નોંધી હતી, તેમના વિરુદ્ધ 21 એપ્રિલે ફરિયાદ નોંધવામાં આવી હતી.
બીજીબાજુ 1983ની ક્રિકેટ વર્લ્ડકપ વિજેતા ટીમ હવે જાતીય સતામણીનો આરોપ મૂકી દેખાવો કરનારા મહિલા રેસલરોના સમર્થનમાં ઊતરી આવી છે. અનેક મોટા ક્રિકેટરોના સમર્થનથી હવે દેખાવકાર કુશ્તીબાજોનો જુસ્સો બુલંદ થયો હશે. આ મામલે આ વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડીઓ સુનિલ ગાવસ્કર, વેંગસકર, મદનલાલે સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું.