કાલોલ તાલુકાના બાકરોલ ગામના સીમાડે વહેતી કરાડ નદીમાં વહેલી સવારે વરસેલા વ્યાપક વરસાદને પગલે બાકરોલ ગામના કોઝવે પાસે નદી પટમાં કેમીકલ ફીણના ગોટેગોટા ઉમટી પડ્યા હતા. બાકરોલ ગામ વિસ્તારમાં આવેલી આ કરાડ નદીના પટ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષોથી દર વર્ષે આ સમસ્યા વકરતી જાય છે.
દર વર્ષે સ્થાનિક પંચાયત દ્વારા પ્રદુષણ નિયંત્રણ વિભાગને રજુઆત કરવામાં આવે છે અને દર વર્ષે જવાબદાર તંત્ર દ્વારા ફીણયુકત પાણીના સેમ્પલો લેવામાં આવે છે પરંતુ નદીમાં પાણી વહી જાય છે એમ તંત્રની કાર્યવાહીના દિવસો વીતી જાય છે પરંતુ નદી પટ અને પર્યાવરણને દર વર્ષે નુકસાન કરતી મુળ સમસ્યા યથાવત જોવા મળી રહી છે. તેમજ નાળામાં હાલોલ GIDC માં આવેલી અનેકવિધ પ્લાસ્ટિક અને કેમિકલ પેદાશોની કંપનીઓ દ્વારા તેમના કેમીકલ્સ વેસ્ટ ઠાલવવામાં આવે છે. જે નાળા દ્વારા સમગ્ર કેમીકલ વેસ્ટ કરાડ નદીમાં ઠલવાય છે જેને પરિણામે દર વર્ષે ચોમાસા દરમિયાન નદીમાં ફીણના ગોટાઓ સર્જાય છે, જેના કારણે નદી પટના સમગ્ર ભુસ્તર વિસ્તારના કુવા અને બોરના પાણી પણ પ્રદુષિત થતા હોવાની સમસ્યા વકરતી જાય છે. તો શું તંત્ર આ વર્ષે કડક કાર્યવાહી કરશે ? તેવા સવાલો લોકોમાં ઉદ્ભવ્યા છે.