Home સાબરકાંઠા પોશીનામાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ …. સાબરમતી નદીમાં આવ્યા નીર …...

પોશીનામાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ …. સાબરમતી નદીમાં આવ્યા નીર … જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો…

108
0

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પોશીના તાલુકામાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈને પોશીના તાલુકાની પનારી અને સેઇ નદીમાં પાણી આવ્યું હતું. તો આજુબાજુના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. તો ખેડબ્રહ્માના ખેરોજ પાસેની સાબરમતી નદીમાં પાણી આવ્યું હતું. ધરોઈ અને હરણાવ જળાશયમાં પાણીની આવક શરુ થઇ છે.બિપરજોય વાવઝોડા બાદ સતત ચોથા દિવસે આફ્ટર શોકની અસર સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી છે.

રવિવારે સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો સાથે છુટા છવાયા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ત્યારે વિજયનગર, ઇડર અને પોશીનામાં વરસાદ નોંધાયો હતો. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ પોશીના તાલુકામાં 151 મિમી નોંધાયો હતો. તો સૌથી ઓછો વરસાદ પ્રાંતિજ અને તલોદ તાલુકામાં 04-04 મિમી વરસાદ નોંધાયો હતો.તો આઠ તાલુકામાં 04 મિમી થી 151 મિમી સુધી વરસાદ નોંધાયો હતો. વિજયનગરમાં અઢી ઇંચ, હિંમતનગર અને ઇડરમાં એક-એક ઇંચ, વડાલી અને ખેડબ્રહ્મામાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. પોશીના તાલુકામાં 6 ઇંચ વરસાદને લઈને આજુબાજુના ખેતરોમાં પાણી ભરાયા હતા. વરસાદને લઈને પનારી નદીમાં પાણી આવ્યું હતું. તો ઉપરવાસમાં વરસાદને લઈને સેઇ નદીમાં પાણી આવ્યું હતું. તો ખેડબ્રહ્માની ખેરોજ પાસેની સાબરમતી નદીમાં પણ પાણી આવ્યું હતું.

આમ સેઇ , પનારી અને સાબરમતી ત્રણ નદીમાં ચોમાસામાં નવા નીર આવ્યા હતા.પોશીના અને રાજસ્થાનમાં વરસાદને લઈને પનારી, સેઇ અને સાબરમતી નદીમાં પાણી આવતા 43.50 ટકા પાણી ભરાયેલી ધરોઈ જળાશયમાં પાણી આવક 12,222 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. તો 45.10 ટકા પાણી ભરાયેલા વિજયનગરના હરણાવ જળાશયમાં 100 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં વરસાદી પાણી રોડ પર ભરાયા, જ્યાં પાણીના નિકાલના અભાવે ગટરમાં દૂધનું ટેન્કર ખાબક્યું હતું અને ટેન્કરના પાછળના ટાયર ફસાઈ જતા ક્રેન લાવીને ટેન્કર કાઢવું પડ્યું હતું.જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ ખેડબ્રહ્મા 15 મિમી, વિજયનગર 63 મિમી, વડાલી 21 મિમી, ઇડર 28 મિમી, હિંમતનગર 26 મિમી, પ્રાંતિજ 04 મિમી, તલોદ 04 મિમી અને પોશીના 151 મિમી વરસાદ નોંધાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here