ગીર સોમનાથ : 23 જાન્યુઆરી
તાલાલા ગીર થી આંબળાશ ગીર જતો માર્ગ લુંભા,માથાસુરીયા,અનીડા,ખંઢેરી,ભેટાળી,કોડીદ્રા,પંડવા,ઈન્દ્રોય,નાવદ્રા,સોનારીયા સહિત ૧૩ ગામોની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો માટે આશીર્વાદરૂપ હોય આ માર્ગને સાત મીટર પહોળો બનાવવા આંબળાશ ગીર ગામના સરપંચ શ્રી માયાબેન વાછાણી અને ગીર સોમનાથ જિલ્લા યુવા ભાજપ અગ્રણી શ્રી ભરતભાઈ વાછાણી એ બાંધકામ વિભાગના ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ માંગણી કરી છે.
ગીર સોમનાથ જિલ્લા કાર્યપાલક ઇજનેર ને પાઠવેલ પત્રમાં ભાજપના બંને અગ્રણીઓએ જણાવ્યું છે કે તાલાલા-આંબળાશ ગીર હયાત માર્ગ ચાર મીટર પહોળો છે,આ માર્ગ તાલાલા તથા આજુબાજુના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થતી હોય માર્ગ ઉપર અવિરત ટ્રાફિક રહે છે,આ માર્ગ આંબળાશ ગીર થી આગળ સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે સાથે જોડતો છે જેના કારણે આ માર્ગ ઉપર ટ્રાફિક માં અવિરત વધારો થતો હોય જે ધ્યાને લઈ આ માર્ગ સાત મીટર પહોળો બનાવવો અત્યંત જરૂરી બન્યું છે,આ માર્ગ ઉપરથી ૧૩ ગામના પસાર થતા વાહનો ની અવરજવર નું સર્વે કરાવી માર્ગ સાત મીટર પહોળો કરવા તુરંત કાર્યવાહી કરવા પત્રના અંતમાં ભાજપના બંને અગ્રણીઓએ માંગણી કરી છે.
તાલાલા-આંબળાશ માર્ગ બિસ્માર
તાલાલા ગીર થી આંબળાશ ગીર ગામ સુધીનાં માર્ગ ઉપર ઠેર ઠેર મોટા મોટા ગાબડા પડી ગયા છે,આ માર્ગ ઉપરથી પસાર થવું વાહનચાલકો માટે કઠીન બની ગયું છે,આ માર્ગની મરામત કરવા વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ બાંધકામ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી લોકોમાં ભારે રોષ ફેલાયેલ છે,બાંધકામ વિભાગના ઉચ્ચ સત્તાવાળાઓ તુરંત આ માર્ગની મુલાકાત લઈ લોકોની વેદના સાંભળે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.