ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની 3 સીટો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી ગઇ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની બેઠકોની ચૂંટણીને લઈ કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં દેશના ત્રણ રાજ્યોની 10 રાજ્યસભાની બેઠકોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં ગોવાની 1 સીટ પર, ગુજરાતની 3 સીટ પર અને પશ્ચિમ બંગાળની 6 સીટ પર ચૂંટણી યોજાનાર છે. કેન્દ્રીય મંત્રી એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટર્મ પૂરી થતા તેમની બેઠક પર ચૂંટણી યોજાશે. જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ સંખ્યાબળની દ્રષ્ટિએ નબળી આ 3 બેઠકો પર ફરી ભાજપ જીતે તેવી શક્યતા વર્તાઇ રહી છે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે જેમાંથી 8 બેઠકો ભાજપ અને 3 બેઠકો કોંગ્રેસ પાસે છે.
રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ નોટિફિકેશન જાહેર થશે અને 13 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે. તેમજ 14 જુલાઈએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવાર 17 જુલાઈ સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. જે બાદ 24 જુલાઈ 2023 ને સોમવારના દિવસે સવારે 9 થી 4 વચ્ચે મતદાન યોજાશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી થશે. 26 જુલાઈ 2023 પહેલા રાજ્યસભાની સીટો પરની ચૂંટણી પૂર્ણ થશે.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ બાજી મારે તેવી શક્યતાઓ છે કારણ કે હાલ ગુજરાત વિધાનસભામાં ભાજપ ખુબ જ મજબૂત સ્થિતિમાં છે. તેથી ત્રણેય બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે. આ વખતે વિદેશમંત્રી એસ. જયશંકર ફરીથી રાજ્યસભામાં મોકલશે જ્યારે બાકીની બે સીટો પર ચહેરો બદલાય તેવી શક્યતા છે.