કાલોલ: 6 નવેમ્બર
કાલોલ કોંગ્રેસ પ્રેરિત પરિવર્તન સંકલ્પ યાત્રામાં સમી સાંજે કોંગ્રેસના સ્ટાર યુવા પ્રચારક કનૈયાકુમારનું દશ પંદર મિનિટ માટે કાલોલમાં આગમન થયું હતું. કાલોલ કોંગ્રેસ કાર્યાલય સમાન સરદાર નગર ખંડ ખાતે પાંખી હાજરી સાથે ઉપસ્થિત કાલોલ કોંગ્રેસના આગેવાન નેતાઓ અને કાર્યકરો સમક્ષ કનૈયા કુમારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમ્યાન પણ તેમની ભૂમિકા ગુજરાતની પ્રજા સાથે હોવાનું જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના પ્રભાવશાળી કામો સામે ભાજપે શું આપ્યું એની છણાવટ કરીને દેશમાં બેરોજગારી, મોંઘવારી, કિસાન આત્મહત્યા, કોરોના મહામારી દરમ્યાનનો કકળાટ ભુલવા જેવો નથી જેવા ચાબખા માર્યા હતા. ભાજપની સરકારે સૌને વિકાસનું સપનું દેખાડ્યું પરંતુ અત્યારે વિકાસને બદલે હંગર ઇન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશની સરખામણીમાં પણ નીચે આવી ગયો છે. તેમના ટુંકા સંબોધનમાં તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતની કોઈ પરવા નથી તેવો સનસની આક્ષેપ કર્યો હતો. આક્ષેપ મુજબ મોરબી દુર્ઘટના સમયે મોદી ગુજરાતમાં હતા ત્યારે ગુજરાતની લાગણી હોય તો મોદીએ મોરબી દોડી ગયા હોત પરંતુ તેઓ ગયા નથી, એ તો ફોટા સેશનનો તખ્તો ઘડીને ગયા છે તેવા આક્ષેપો કર્યા હતા, વધુમાં ગુજરાતમાં મુખ્યમંત્રી રિમોટ કંટ્રોલ જય શાહના પપ્પાના હાથમાં છે તેવા પણ ચાબખા માર્યા હતા.
કનૈયા કુમારે અંતમાં ભાજપ પર વિશ્વાસ રાખીને તમને શું મળ્યું એવો સવાલ કરીને કોંગ્રેસ માટે દુવિધા ના રાખો
મતદારો માટે કોંગ્રેસ મજબૂત વિકલ્પ છે તેની પર ભરોસો રાખજો અને ગુજરાતમાં જો કોંગ્રેસ આવશે તો કોંગ્રેસે આપેલાં વચનો પ્રમાણે આઠ વચનો પુરા કરશે તેવું આશ્વાસન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલમાં કોંગ્રેસના નેશનલ લેવલના સ્ટાર યુવા પ્રચારક કનૈયાકુમારનું શુક્રવારે કાલોલમાં આગમન થવાનું હતું એ અંગે કાલોલ કોંગ્રેસના નેતાઓએ પ્રજાજોગ જાહેર કાર્યક્રમ કેમ ના કર્યો એ લોકચર્ચાનો મુદ્દો બન્યો હતો. કનૈયા કુમાર કાલોલના મહેમાન બનીને પરત ફરી ગયા તેની કાલોલ શહેરના નગરજનોને પણ ખબર પડી નથી. કનૈયા કુમારના કાર્યક્રમમાં પ્રભાતસિંહ ચૌહાણ સહિત કાલોલ કોંગ્રેસના ગણ્યાગાંઠ્યા નેતાઓ એકલા જ હાજર જોવા મળતા હતા એ જોઈને સંભવિત રીતે કાલોલ કોંગ્રેસનો ટિકિટ અંગેનો કોઈ પ્રોપગેન્ડા હશે કે કેમ એ અંગે સવાલો ઉભા થયા હતા. અત્રે કનૈયા કુમાર જેવા સ્ટાર યુવા પ્રચારકના જાહેર કાર્યક્રમ અંગે કાલોલ કોંગ્રેસના નેતાઓની આવી ઉદાસીનતા જોઈને કોંગ્રેસને તક મળે તો પણ કોંગ્રેસને જીતવાની મુરાદ નથી તેવી અટકળો નગરજનોમાં વહેતી થઈ હતી.