ગુજરાત સહિત અમદાવાદ પડેલા કમોસમી વરસાદના કારણે કેરીના ભાવમાં ઘટાડો થયો છે. ગુજરાતીઓની સૌથી પ્રિય કેસર કેરીના ભાવમાં અણધાર્યો ઘટાડો થયો છે. સામાન્ય રીતે 10 કિલોનો બોક્સનો ભાવ 450થી 700 રૂપિયાની વચ્ચે રહેતો હોય છે પરંતુ મળેલ માહિતી પ્રમાણે અમદાવાદમાં કેસર કેરીનું આ જ બોક્સ 375 રૂપિયા જેટલા ઓછા ભાવમાં પણ મળી શકે છે. કેરીના ખેડૂતો, હોલસેલરો અને વેપારીઓને આ અચાનક ઘટાડામાં હવામાને મોટો ભાગ ભજવ્યો છે. અમદાવાદ હોલસેલ ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખના જણાવ્યા અનુસાર ‘ગીર સોમનાથ, કચ્છ અને અમદાવાદ સહિતના ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડતા કેસર કેરીની ખેતી પર પ્રતિકૂળ અસર પડી છે.
ઉપરાંત વરસાદ પડતાં કેસર કેરી તાબડતોબ બજારમાં વેચવાની ખેડૂતોને ફરજ પડી છે. એક મહિના પહેલા કેસર કેરીનો 10 કિલોનો ભાવ 1200થી 1300 રૂપિયા હતો, જે કેરીની સીઝનની શરૂઆતમાં ગત વર્ષ કરતાં પણ ઓછો હોવાનું કહેવાતું હતું. રિપોર્ટ પ્રમાણે, તાલાલા વિસ્તારમાંથી કેસર કેરીના લગભગ 70 હજાર જેટલા બોક્સ દરરોજ નીકળી રહ્યા છે, જેમાંથી આશરે 20 હજાર બોક્સ અમદાવાદના કાલુપુર અને નરોડા નામના હોલસેલ ફ્રૂટ માર્કેટમાં જાય છે. આ દરમિયાન કેરીના રસિકો એ વાતથી ખુશ છે કે કચ્છની કેસર, જે તેની અનોખી મીઠાશ માટે જાણીતી છે, તે અમદાવાદમાં ધીમે-ધીમે મળવા લાગી છે.