અમદાવાદ ATS પાસેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ લોરેન્સ બિશ્નોઇ સંલગ્ન NDPS કેસની તપાસ હાથમાં લીધી છે. 12 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાંથી લોરેન્સ બિશ્નોઇના પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હતા. પરંતુ ટેકનિકલ કારણોસર લોરેન્સની કસ્ટડી NIA ને 14 સપ્ટેમ્બરે સાંજના પાંચ વાગ્યે મળી હતી. જેથી અમદાવાદમાં ભદ્ર સેશન્સ કોર્ટ ખાતે આવેલી NIA કોર્ટમાં વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે પ્રખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને રજૂ કરવામાં આવ્યો હતો. આજે કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે લોરેન્સ બિશ્નોઇ કુખ્યાત ગેંગસ્ટરની સાથે હવે આતંકવાદીની વ્યાખ્યામાં પણ આવી ચૂક્યો છે. તેણે પાકિસ્તાનમાંથી હેરોઇન મંગાવીને સાઉથ આફ્રિકા મોકલવાનું ગુન્હાહિત કાવતરું રચ્યું હતું. આ કેસમાં લોરેન્સના આદેશથી પાકિસ્તાનના કરાચીથી અબ્દુલ્લા અને જામિલ નામના શક્ષે હેરોઈનનું કંસાઇન્મેંટ બલુચિસ્તાનના એક બંદરથી બોટમાં કચ્છના મીઠા પોર્ટ ખાતે મોકલ્યું હતું. ATS એ બાતમીના આધારે કોસ્ટગાર્ડના સહયોગથી તે 39 કિલો જેટલું હેરોઇન ઝડપી પાડ્યું હતું. સાથે જ છ પાકિસ્તાની આરોપી મોહમ્મદ સફી, ઇમરાન અબ્દુલ, મોહસીન શહેઝાદ, જૌહર અહેમદ, કામરાન મુસા અને મોહમ્મદ સોહેલને પણ ઝડપી પાડયા હતા.
લોરેન્સ બિશ્નોઇએ આ પાર્સલ આફ્રિકા મોકલવાનું કામ સરતાજ સલીમ મલિક અને મોહમ્મદ સફિને સોંપ્યું હતું. જે બંનેને પણ ઝડપી લેવાયા છે. આ સાથે જ એક નાઇજિરિયન નાગરિકની અને મિરાજ રહેમાનીની પણ ધરપકડ કરાઈ હતી. આ તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.લોરેન્સ બિશ્નોઇએ પાકિસ્તાની અને અફઘાનિસ્તાનના લોકોની મદદથી ભારતમાં ડ્રગ્સ લાવીને આફ્રિકા મોકલવાનો હતો.
ATS ગુજરાતે આરોપીઓની સામે NDPS એક્ટ અંતર્ગત કલમ 8c, 21c, 23c, 25 અને 29 તેમજ IPC ni કલમ 18, 38, 39 અને 40 મુજબ ગુન્હો નોંધ્યો હતો. આ ઉપરાંત લોરેન્સ બિશ્નોઇ બાબર ખાલસા ઈન્ટરનેશનલ ટેરરિઝમ ગૃપને હથિયારો પૂરા પાડતો હતો. NIA એ કોર્ટ સમક્ષ લોરેન્સ બિશ્નોઇના રિમાન્ડ માંગવા મુદ્દા રજૂ કરતાં જણાવ્યું હતું કે આ કેસમાં હેરોઇન ભારત કેવી રીતે લવાયું તેની મોડસ ઓપરેન્ડી જાણવી જરૂરી છે અગાઉ આવા વ્યવહાર થયા છે કે કેમ તેની તપાસ જરૂરી છે. લોરેન્સ જેલમાંથી બેઠા બેઠા હથિયારો સપ્લાય કરતો હતો તેની તપાસ જરૂરી છે. બાબર ખાલસાને તેને હથિયારો મોકલ્યા છે ? કેટલા ? ક્યારે ? આ કેસમાં અન્ય બીજા કોઈ આરોપી છે કે કેમ ? તેની તપાસ માટે લોરેન્સના રિમાન્ડની જરૂર છે.
લોરેન્સના વકીલ આનંદ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે લોરેન્સને હાથે કરીને આવા કેસોમાં સંડોવી દેવામાં આવે છે. કેસને લગતા કોઈપણ ડોક્યુમેન્ટ કોર્ટ સમક્ષ મુકાયા નથી. અગાઉ લોરેન્સના પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા, જેમાં કોઈ કાર્યવાહી થઈ નથી.