Home કાલોલ કાલોલ શહેર સ્થિત ગોમાનદી તટની સ્મશાનભૂમિ અને રાવણ દહન ભૂમિ વિસ્તારમાં સક્રિય...

કાલોલ શહેર સ્થિત ગોમાનદી તટની સ્મશાનભૂમિ અને રાવણ દહન ભૂમિ વિસ્તારમાં સક્રિય થતાં ખનન માફિયાઓ: તંત્ર દ્વારા નક્કર કાર્યવાહીની લોકમાંગ.

107
0

કાલોલ : 24 ડિસેમ્બર


કાલોલ નગરના સીમાડે આવેલી ગોમાનદી પટમાં ગેરકાયદે રેતી ખનન કરતા તત્વો બારેમાસ સતત સક્રિય જોવા મળે છે પરંતુ નદી તટના વિસ્તારમાં આવેલા સ્મશાન ભૂમિ અને રાવણ દહન ભૂમિ વિસ્તારની આસપાસ કાચા સોના જેવી રેતી નીકળતી હોવાથી આ વિસ્તાર ખનન માફિયાઓ માટે ડોળો ઠરતો રહ્યો છે. જેને પગલે પાછલા ઘણા સમયથી આ વિસ્તારમાંથી ચોરી છુપી રીતે ખનન કર્યા પછી હવે તો ધોળેદહાડે પણ બેફામપણે થતા રહેલા ગેરકાયદે રેતી ખનનથી સ્મશાન ભૂમિના ઝાડ અને જમીનના મુળીયાઓ પણ ખોદી કાઢવામાં આવ્યા છે, તદ્ઉપરાંત કાલોલ શહેરના ‌છેવાડે આવેલા જ્યાં રાવણ દહન ભૂમિ વિસ્તારમાં રેતી માફિયાઓ સક્રિય થતાં આ વિસ્તારનો દાટ વાળી દીધો છે. જેને કારણે નગરના જાગૃત નાગરિકો દ્વારા ખાણ ખનીજ વિભાગને રજૂઆતો કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્મશાન ભૂમિની આસપાસ જીપીએસ સિસ્ટમ દ્વારા માપણી કરી ખનન પર રોક લગાવવાની માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ શહેરમાં રેતી ખનનનો વેપલો કરતા એક જ પરિવારના રેતી માફિયાઓ દ્વારા વર્ષોથી તંત્ર સાથે મીલીભગત નીતિ આચરીને જેતપુરના સીમાડેથી સ્મશાનભૂમિ સુધીના સમગ્ર વિસ્તારોમાંથી ગેરકાયદે રેતી ખનન કરીને ટ્રેક્ટરો મારફતે રેતીનો વેપલો કરવાનો ગોરખધંધો ધમધમી રહ્યો છે. જે અંગે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ અગાઉ લેખિત રજૂઆતો કર્યા બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી આ ખનન માફિયાઓ વિરુદ્ધ થતી નહીં હોવાથી બેફામ બની જવા પામ્યા છે અને સ્મશાન ભૂમિથી રાવણ દહન ભૂમિ સુધીના રેતીનું ખનન કરીને મોટા મોટા ખાડાઓ ખોદીને સમગ્ર વિસ્તારનો દાટ વાળી દીધો છે જેથી જવાબદાર તંત્રએ સત્વરે જાગીને ગેરકાયદે થતા રહેલા ખનન ઉપર નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here