કાલોલ : 2 જાન્યુઆરી
કાલોલ શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસે રવિવારે સવારે નગરના એક આધેડ પોતાના મકાનમાં લોહી લુહાણ હાલતમાં મળી આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જોકે લોહીલુહાણ હાલતમાં તેમની પાસેથી એક જંતુનાશક દવાની બોટલ અને સુસાઈડ નોટ પણ મળી આવતા સુસાઈડ મુદ્દે નગરમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર ઘટના અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગતો અનુસાર કાલોલ શહેરનાં ત્રણ ફાનસ ચાર રસ્તા પરના પોરવાડ વિસ્તારમાં રહેતાં ભાવેશભાઈ પ્રમોદભાઈ દેસાઈ (ઉ.વ ૫૨) તા-૧-૧-૨૩ના રોજ સવારે ૯:૩૦ વાગ્યાની આસપાસ તેમના પોતાના મકાનમાં બેભાન અવસ્થાએ લોહી લુહાણ હાલતમાં કામવાળા બહેનને મળી આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. એ સમયે તેઓના ગળાના ભાગે તથા ડાબા હાથનાં કાંડાના ભાગે ધારદાર હથિયારથી ઇજા થયેલી જોવા મળેલ અને ઘરમાંથી ઝેરી દવાની બોટલ સાથે એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી.
જેથી તેમને તાત્કાલિક અસરથી વડોદરા સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તેમની આસપાસના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ભાવેશભાઈ દેસાઈ ત્રણ ચાર મહિના પહેલા તેમના પરિવાર સાથે વિદેશ પ્રવાસે ગયા હતા અને ત્રણ ચાર દિવસ પહેલા એકલા જ કાલોલ પરત ફર્યા હતા ત્યારે કાલોલ પરત ફરીને બે દિવસમાં ઘટેલી ઘટનાએ ભારે કુતુહલ સર્જાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસને મળેલી સુસાઈડ નોટમાં “હું ડિપ્રેશનનો ભોગ બનીને સુસાઈડ કરવા જઇ રહ્યો છું, મારા કુટુંબીજનોએ મને સારો કરવા ઘણા પ્રયત્નો કર્યા છે પણ મારું મન ખરાબ થઈ ગયું છે એટલે મારા મોત માટે હું પોતે આભારી છું, એમાં કોઈનો દોષ નથી” એવો ઉલ્લેખ કરીને મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કરતા કાલોલ પોલીસે સુસાઈડ કરવાના પ્રયાસ મુજબનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.