Home કાલોલ કાલોલ પંથકના મતદારોની હાલત ‘નહિં ઘરના કે નહીં ઘાટના’ જેવી નોંધારી

કાલોલ પંથકના મતદારોની હાલત ‘નહિં ઘરના કે નહીં ઘાટના’ જેવી નોંધારી

94
0

કાલોલ: 24 નવેમ્બર


કાલોલ ભાજપ સંગઠનના નેતાઓની હાલત તમાચો ખાઈને ગાલ કેસરીયો રાખવાની મજબૂરી જેવી

કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત ૧૧ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે છતાં પણ કાલોલ તાલુકાના મતદારોમાં ચુંટણીનો ઉત્સાહ જોવા મળતો નથી. કારણ કે કાલોલ વિધાનસભા બેઠક પાછલા ૨૫ વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે પરંતુ મતદારોના દુર્ભાગ્યે ભાજપની ટિકિટ કાલોલ બહારના ઉમેદવારને ફાળવતા કાલોલ તાલુકાના મતદારોની હાલત પોતાના દિકરાને કુંવારો રાખીને પારકાની જાનમાં મ્હાલવાની નોબત સર્જાઇ છે. કાલોલ વિધાનસભાની બેઠક પર ભાજપની ટિકિટ માટે આ વખતે કાલોલ તાલુકાના ૪૯ દાવેદારો સામે ઘોઘંબા તાલુકાના માત્ર પાંચ જ દાવેદારોએ દાવેદારી કરી હતી જેથી કાલોલ તાલુકાના સ્થાનિક નેતાઓની આંતરિક ખેંચતાણ જોતા પાર્ટી હાઇકમાન્ડે છેવટે ઘોઘંબા તાલુકાના છેવાડે આવેલા (કાલોલથી ૫૫ કીમી દુર) ગુંદી ગામના પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને ટિકિટ ફાળવી દેતાં કાલોલ તાલુકાના સ્થાનિક નેતાઓ કદ પ્રમાણે વેતરાઈ ગયા હોવાનું જોવા મળે છે.

જોકે પ્રારંભે કાલોલ તાલુકા સંગઠન ભાજપના નેતાઓએ થોડો‌ વાંધો વિરોધ ઉઠાવ્યો હતો પરંતુ છેવટે પક્ષના આદેશને પગલે આંતરિક અને સ્થાનિક મતભેદો ભૂલીને સમગ્ર ભાજપ સંગઠન ફતેસિંહ ચૌહાણના સમર્થનમાં પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. જેથી કાલોલ ભાજપના નેતાઓ તો તમાચો ખાઈને પોતાનો ગાલ કેસરીયો રાખવાની મજબૂરી સાથે દોડી રહ્યા છે પરંતુ કાલોલ તાલુકાના ૧.૬૫ લાખ મતદારો અને ૭૫ ગ્રામ પંચાયતોના સરપંચોને પોતાની સમસ્યાઓ કે વિકાસના કામો માટે આગામી પાંચ વર્ષ સુધી ૫૫ કીમી દૂર જવું પડશે એ મુંઝવણમાં મુકાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ વિધાનસભાની બેઠક માટે કાલોલ અને ઘોઘંબા તાલુકા વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં ઘોઘંબા તાલુકાના માત્ર ૯૦,૦૦૦ મતદારો છે જ્યારે કાલોલ તાલુકાના ૧,૬૫, ૦૦૦ મતદારો છે છતાં બહુમતી મતદારોની અવગણના કરીને ભાજપના ગઢની ટિકિટ ઘોઘંબા વિસ્તારમાં ફાળવી દેવામાં આવતા કાલોલ ભાજપના નેતાઓ, કાર્યકરો અને મતદારોની હાલત કફોડી બની છે, જ્યારે બીજા વિકલ્પ તરીકે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ પણ ગોધરા તાલુકાના હોય એ પણ કાલોલ બહારથી કાલોલનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હોવાનો અનુભવ સૌને છે તદ્ઉપરાંત અપક્ષ ઉમેદવારો પાસે બહોળું જનસમર્થન નથી આમ કાલોલ તાલુકાના ૧,૬૫,૦૦૦ મતદારોની હાલત ‘નહીં ઘરના કે નહીં ઘાટના’ જેવી નોંધારી બની જવા પામી છે, જેની ચિંતા ભાજપના સંગઠનને પણ સતાવી રહી છે.

 

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here