કાલોલ: 30 જાન્યુઆરી
ગુજરાતમાં રવિવારે જુનિયર ક્લાર્કની પરિક્ષાનું પેપર લીક થવાની ઘટનાને પગલે કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને અનુલક્ષી કાલોલ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાલોલ કોંગ્રેસ સમિતિના આવેદનમાં સરકાર દ્વારા જાહેર પરિક્ષાઓ અંગે દાખવેલી લાપરવાહીને પગલે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં રાજ્યના નવલાખથી વધુ ઉમેદવારોની આશા અપેક્ષાઓ ઉપર પાણી ફરી વળ્યું છે.
તદ્ઉપરાંત ભાજપના શાસનમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટી જવાની ઘટનાઓનો પાછલા ઘણા સમયથી ચાલી રહેલ છે આવી ઘટનાઓમાં સરકાર હંમેશા નિષ્ફળ અને નિષ્ક્રિય રહેલ છે જે દુઃખદ અને ચિંતાનો વિષય છે. જેથી ડબલ એન્જિનની સરકાર સદંતર નિષ્ફળ રહીને લાખો યુવાઓના સપનાઓ સાથે ખીલવાડ કરતી હોવાને પગલે ભરોસાની સરકારને બદલે ફુટલી સરકાર હોવાના આક્ષેપો કર્યા હતા. તેમને વધુમાં દેશના વડાપ્રધાન પણ પરીક્ષા પે ચર્ચા કરે છે પરંતુ બીજી તરફ પેપર ફૂટવાની ઘટનાઓથી પરીક્ષાાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું હોવાથી સમગ્ર ઘટના અંગે ન્યાયિક તપાસ સાથે કસુરવારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે ગુજરાતના મહામહિમ રાજ્યપાલને સંબોધીને કાલોલ કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતભાઈ ભાટી, કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર અને પુર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.