કાલોલ: 25 જાન્યુઆરી
કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ગત ૮ ડિસેમ્બરે ચૂંટણી જીત્યા પછી પાછલા સવા મહિનાથી કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રવેશ કર્યો નહોતો જેને પગલે અનેક અટકળો વહેતી થઈ હતી. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું વતન ઘોઘંબા તાલુકાનું ગુંદી ગામ હોવાથી કાલોલ શહેર અને તાલુકાના પ્રજાકીય પ્રશ્નોને સાંભળવા માટે પ્રારંભે કાલોલ શહેરના સર્કીટ હાઉસમાં બેઠક રાખીને લોકદરબાર ભરવામાં આવતો હતો. એ પછી સ્ટેશન રોડ પરના તેમના નવા ભાજપ કાર્યાલયમાં બેઠક રાખી હતી. તદ્ઉપરાંત મામલતદાર કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓ ખાતે પહોંચીને પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે સેતુરૂપ બનવાના પ્રયાસો કર્યા હતા પરંતુ પાછલા દોઢ મહિનાથી કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રવેશ કર્યો નહોતો.
જે અંગે તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આપણા ધારાસભ્ય પ્રખર રામભક્ત છે અને તાલુકા પંચાયત કચેરી એ લોકશાહીનું જ એક મંદિર છે તેથી લોકોના ધારાસભ્ય લોકશાહીના મંદિરમાં ભારતીય સંસ્કૃતિના વિધિવિધાન મુજબના મકરસંક્રાંતિએ કમૂહુર્તો ઉતર્યા પછી પુજા વિધિ કરીને પ્રવેશ કરશે તેવો મત વ્યકત કર્યો હતો. જે મંતવ્ય મુજબ બુધવારે કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્યને હસ્તે પુજા વિધિ કરીને વિધિવત પ્રવેશ કર્યો હતો એ સમયે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોરે ઉત્સાહના રંગે ધારાસભ્યને આવકાર આપ્યો હતો. અત્રે કાલોલ પંચાયત કચેરીના વિધિવત પ્રવેશની પુજા વિધિમાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ સભ્યો સહિત તાલુકા વિકાસ અધિકારી સાથે તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને ધારાસભ્યને ધારાસભ્યને આવકાર્યા હતા. આ પ્રસંગે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોરે ધારાસભ્યને આવકારીને કાલોલ તાલુકાના વિકાસ માટે રામભક્ત ધારાસભ્યની સાથે હનુમાનજીની જેમ સમગ્ર સેનાનીઓ સાથે સહાયતા કરવાનો અનુરોધ કર્યો હતો.
કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે જે તે વિભાગના જવાબદાર અધિકારીઓ સામે સીધી લીટીએ, સીધા શબ્દોમાં તડ અને ફડ રીતે વાત કરવામાં માહેર છે. જેથી બુધવારે કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્યના નેતૃત્વમાં મળેલી પહેલી જ બેઠકમાં પાછલા ત્રીસ-વીસ વર્ષોથી પંચાયતના કામો કરતા એક નામી કોન્ટ્રાકટર અંગે તાલુકા પંચાયતના સદસ્યો અને વહીવટદારોને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવીને આગામી વિકાસ કામો માટે રુખસત આપવાની અને જુનું બધુ જ ભુલીને આગામી વિકાસના કામો પ્રમાણિક રીતે કરવાની વાત કરતા તાલુકા પંચાયતના આલમમાં સન્નાટો છવાઈ ગયો હતો તદ્ઉપરાંત અન્ય કોન્ટ્રાકટરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.