Home અમદાવાદ કવિ અરવિન્દ ઘોષની સાર્ધ શતાબ્દીની ઉજવણીમાં સાહિત્યપ્રેમીઓમાં સાહિત્ય પ્રત્યે પ્રેમ છલી આવ્યો..!

કવિ અરવિન્દ ઘોષની સાર્ધ શતાબ્દીની ઉજવણીમાં સાહિત્યપ્રેમીઓમાં સાહિત્ય પ્રત્યે પ્રેમ છલી આવ્યો..!

213
0

ગુજરાત સાહિત્ય અકાદમી અને  ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે તા.15 ઑગષ્ટના રોજ  મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ), આશ્રમ રોડ,અમદાવાદ ખાતે તત્ત્વદર્શી,યોગી,મહર્ષિ,પત્રકાર, કવિ અરવિન્દ ઘોષની સાર્ધ શતાબ્દીની ઉજવણી નિમિત્તે ‘યુગાન્તર’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું .અરવિન્દ ઘોષના જીવન વિશે દક્ષા પટેલે , ગુજરાતી સાહિત્યમાં અરવિન્દદર્શન વિશે ભગીરથ બ્રહ્મભટ્ટે અને મહાકાવ્ય’સાવિત્રી’ વિશે પરમ પાઠકે મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો, સાહિત્યપ્રેમીઓ અને અરવિન્દના ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.

દક્ષા પટેલ :

અરવિન્દને સાત વર્ષે લંડન ભણવા મોકલ્યા અને હિન્દુ સંસ્કૃતિ વિશે કોઈ જાણ ન થાય તેવી તાકીદ પણ તેમના પિતા દ્વારા આપવામાં આવી. તેમના હિંદ સ્થિત ઘરમાં પણ અંગ્રેજ વાતાવરણ જ હતું. તેઓ કહેતા કે લોકો માટે દેશ ફક્ત નિર્જીવ પદાર્થ છે પણ મારા માટે તો દેશ માતા સમાન છે. લંડનના અભ્યાસ દરમિયાન જ તેમને બ્રિટિશ સત્તાના જુલમ વિશે જાણકારી મળતાં તેમને બ્રિટિશરો માટે આક્રોશ હતો. હિન્દુ સંસ્કૃતિ વિશે સાવ અજાણ એવા અરવિન્દ એકવીસ વર્ષે વડોદરા આવ્યા અને તે બાદ તેમને ત્રણેક વખત આધ્યાત્મિક અનુભૂતિ થઈ. ચાણોદમાં તેમને સાક્ષાત મહાકાળીના દર્શન થયા હતા. જીવનના દરેક તબક્કે તેઓ ક્રાંતિકારી રહ્યા હતા. એક વર્ષની જેલની આકરી સજા બાદ અરવિન્દ બહાર આવ્યા ત્યારે તે યુગપુરુષ બની ગયા હતા. જેલમાં તેમને શ્રીકૃષ્ણના સાક્ષાત્કાર થયો હતો. તેમના લખાણમાં આગઝરતી વાણી દૃશ્યમાન થતી. બાળપણથી જ દેશ અને માતાપિતા છોડનારા અરવિંદ સતત ત્યાગની ભાવના સાથે જીવ્યા. ક્રાંતિનો માર્ગ છોડીને એકાએક પોન્ડિચરી જનારા તેઓ આધ્યાત્મિક જીવન તરફ વળી ગયા અને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થયા. સતત સાધના અને માતાજીના સહકારથી તેઓ અધિમનસના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હતા.1950માં અરવિન્દે દેહમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો.

ભગીરથ બ્રહ્મભટ્ટ :

ગાંધીજી અને લોકમાન્ય તિલક જેવા દેશભક્ત એવા અરવિન્દ કહેતા કે ઈશ્વર મને કાર્ય કરવા માટે સાધન બનાવી રહ્યો છે.  અંતઃકરણની ઊંડાઈમાં જઈ ચેતના સાથે જોડાણ કરવું એ યોગ છે તેવું અરવિન્દ કહેતા. તેઓ કહેતા કે ઈશ્વર માટે અભીપ્સા કરો, ઈશ્વર માટે સમર્પણ કરો અને સઘળું ત્યાગો તેમજ આ બધું જીવનના કાર્ય કરતા સાથે કરો. માનવ પ્રકૃતિમાંથી દૈવીય પ્રકૃતિ તરફ પ્રયાણ કરો. અરવિન્દે યોગને વ્યક્તિકેન્દ્રીને બદલે સમષ્ટિકેન્દ્રી બનાવ્યો. 1937માં પૂજાલાલ સૌપ્રથમ અરવિન્દથી પ્રભાવિત થયાને બાદમાં સુન્દરમ્ 1945માં અરવિન્દ તરફ વળ્યા. અરવિન્દનો આગવો પ્રભાવ સુન્દરમના દરેક કાવ્યસંચયોમાં જોવા મળે છે. પોંડિચેરીમાં સ્થાયી થયેલા સુંદરમે દક્ષિણાયન સામયિક શરૂ કર્યું. તને મેં ઝંખી છે…’યુગોથી ધીખેલી સહરાની તરસથી ‘ એ કાવ્યમાં માતાજીની તીવ્ર ઝંખના છે.

પરમ પાઠક :

અરવિન્દ  દ્વારા લખાયેલું ‘ સાવિત્રી ‘ કાવ્ય અંગ્રેજી સાહિત્યનું સૌથી દીર્ઘ કાવ્ય છે. આ કાવ્ય દ્વારા અરવિન્દે અંગ્રેજી ભાષાને પણ નવો આયામ આપ્યો છે. માર્કન્ડેય ઋષિ દ્વારા વનપર્વમાં યુધિષ્ઠિરને કહેલી કથા એ સત્યવાન સાવિત્રી મૂળ કથા છે. આ કથાનો મૂળ સાર ‘મૃત્યુ પર વિજય ‘ પર  અરવિન્દ નજર કરે છે. અને આ કથાને અનેકગણી વિસ્તારી અરવિન્દ દ્વારા આ કાવ્ય પ્રતીકાત્મક રૂપે લખાયું. લગભગ ૨૪ હજાર પંક્તિમાં લખાયેલું આ કાવ્ય છે. ગહન અંધકારથી શરૂ થયેલું આ કાવ્ય પ્રકાશના પહેલા કિરણ અને પછી અજવાસ તરફ ગતિ કરે છે. સાવિત્રી કાવ્ય ખરેખર તો અરવિન્દ અને માતાજી વિશેની જ વાત છે, જેમાં અશ્વપતિ એટલે અરવિન્દ અને સાવિત્રી એટલે માતાજી સમજો તો  ‘સાવિત્રી’ કાવ્યને સારી રીતે પ્રમાણી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here