ઓછી મહેનતે પૈસા કમાવવા આજના યુવાનો ગમે તેવા પેંતરા અજમાવતા હોય છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવાને શોર્ટકટમાં પૈસા કમાવવા ઇસરોની નોકરી છોડીને વાહન ચોર બન્યો હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. તેણે 2 મહિનામાં નારણપુરા વિસ્તારમાં 17 વાહનોની ચોરી કરી હતી.
વાત કરીએ ઉમંગ વાછાણી નામના યુવકની તો આ યુવકે શોર્ટકટ મની માટે 2 મહિનામાં 17 વાહનોની ચોરી કરી હતી. આરોપી ઉમંગે નારણપુરા વિસ્તારમાં જુદા જુદા સ્થળે એક્ટિવા ચોરી કરી હતી.. એક્ટિવા ચોરીનું પ્રમાણ વધતા પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ કરતાં પોલીસ આરોપી ઉમંગ વાછાણી સુધી પહોંચી હતી. તેની પૂછપરછમાં નારણપુરા, ઘાટલોડિયા, નવરંગપુરા, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી અને સેટેલાઇટમાંથી થયેલી 15 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો છે. જ્યારે વલસાડમાંથી 2 એક્ટિવા ચોરીને તપાસ શરૂ કરાઇ છે.
બી ડિવિઝન ACP એચ. એમ. કાણસાગરાએ જણાવ્યુ હતું કે પકડાયેલ વાહન ચોર ઉમંગ વાછાણી મૂળ વલસાડનો રહેવાસી છે. અમદાવાદના મેમનગરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. ઉમંગ એક વર્ષ પહેલાં એન્જિનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ઇસરોમાં જુનિયર એન્જિનીયર તરીકે જોડાયો હતો. આરોપીએ એક્ટિવા ચાલક જ્યારે ચાવી વાહનમાં ભૂલી જતા તેને મજાક મજાકમાં વાહનની ચોરી કરી અને અમદાવાદ શહેરમાં ફર્યો હતો. પેટ્રોલ ખલાસ થઇ જતા તેણે વાહન બિનવારસી મૂકી દીધું હતું. ત્યારબાદ ફરી બીજી એક્ટિવા ચોરી કરી હતી. ત્યારબાદ તેને વાહન ચોરી કરવામાં મજા આવવા લાગી હતી જેથી નોકરી છોડીને 2 મહિનામાં આરોપીએ 17 વાહનની ચોરી કરી.. નારણપુરા પોલીસે વાહન ચોરી કેસમાં આરોપીની ધરપકડ કરીને ચોરીના વાહન જપ્ત કર્યા છે. વાહન ચોરીમાં મજા અને શોર્ટકટ મનીના ચક્કરમાં એન્જીનીયર યુવક વાહન ચોર બની ગયો અને 17 ચોરીના ગુના આચર્યા. મજાક મજાકમાં શરૂ કરેલી ચોરી હવે ગંભીર ચોરીના ગુનામાં તબદીલ થઈ ગઈ છે. નારણપુરા પોલીસે વાહન ચોરને વાડજ પોલીસને સોંપતા પોલીસે રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી..