આણંદ: 17 મે
આણંદના અલ્પાબેન પટેલ કે જે બિનવારસી મળી આવેલ મૃત દેહોને સંપૂર્ણ ધાર્મિક વિધિથી અગ્નિ સંસ્કારનુ કામ નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે. ત્યારે નવગુજરાત અધિકાર સંઘ દ્વારા રાજ્યપાલની સાથે તેમની મુલાકાત લેવામાં આવી હતી.
આણંદના નવ ગુજરાત અધિકાર સંઘ સંસ્થા દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત કરવામાં આવી હતી.સમાજમાં અસહાય ,નિર્બળ,નિરાધાર ,ગૃહકલેશથી પીડિત સ્ત્રીઓ અને વ્યક્તિઓની સેવા તેમજ બિનવારસી મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે સતત પ્રવૃતિરત આ સંસ્થા સ્ત્રી સશક્તિકરણ,સમાજના સર્વાંગી વિકાસ અને પ્રકૃતિ – પર્યાવરણની જાળવણી અને ભારતીય સંસ્કૃતિ ઉત્થાન માટે પણ વિવિધ સંસ્થાઓ સાથે રાખી જે સેવાકાર્ય કરે છે તે વિશે પણ રાજ્યપાલે અવગત કરાયા હતા.
રાજ્યપાલ દ્વારા નવ ગુજરાત અધિકાર સંઘ સંસ્થાના શરૂઆત થી લઈ હાલ સુધીની પ્રવૃત્તિ ,સેવા અને સંઘર્ષ વિશે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન પાઠવ્યું હતું.વળી અલ્પાબેન એક સ્ત્રી હોવા છતાં જે રીતે બિનવારસી મૃતકોના સ્વજન બની સંપૂર્ણ ધાર્મિક વિધિ મુજબ અગ્નિસંસ્કાર કરે જે સેવભાવના અને સેવાવૃત્તિની રાજ્યપાલે ખૂબ સરાહના કરી હતી.આ નિઃસ્વાર્થ સેવાપ્રવૃત્તિ માટે અલ્પાબેનની ખૂબ પ્રસંશા કરી મહિલા અને બાળવિકાસ મંત્રીને આ ઉમદા કાર્ય માટે યોગ્ય નોંધ લેવા સૂચન પણ કર્યું હતું
આ અંગે અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે રાજ્યપાલ ના ગુજરાત આગમન બાદ તેઓની દેશ ,સમાજ ,ખેડૂત, પશુપાલક અને પ્રકૃતિ પ્રત્યેની સહજ સમર્પિતતા અને જીવનના વિવિધ વિષયો વિશેની જ્ઞાનવિદ્યત્તાને નજીકથી જોવાનો લાભ મળ્યો છે.આવા વિદ્વાન અને શ્રધ્ધેય મહાપુરુષને રૂબરૂ મળી નમન અને વંદન કરી માર્ગદર્શન મેળવવાની ઈચ્છા હતી.જે આ શુભેચ્છા મુલાકાત બાદ પૂર્ણ થઈ છે.રાજ્યપાલએ આપેલ આશીર્વાદ અને માર્ગદર્શન મારા માટે જીવન સંભારણું બની રહેશે. સાથે સંસ્થા સાથે જોડાયેલા રવિભાઈ પટેલ, દીપલીબેન ઉપાધ્યાય ,હર્ષદભાઈ નાયક, મિતેશભાઈ પટેલ ,ભૂમીબેન વગેરે મુલાકાત લીધી હતી.