Home આંકલાવ આંકલાવમાં “અમારા ખેતર બાજુ વાંદરા કેમ ભગાડો છો “કહી બે ભાઈઓએ ખેતપાડોશી...

આંકલાવમાં “અમારા ખેતર બાજુ વાંદરા કેમ ભગાડો છો “કહી બે ભાઈઓએ ખેતપાડોશી પિતા-પુત્ર ઉપર દાંતી અને ડંડા વડે હુમલો કર્યો

155
0

આણંદ: 2 જાન્યુઆરી


આંકલાવ તાલુકાના ચમારા ગામમાં રહેતાં બે સગાં ભાઈઓએ અમારા ખેતર બાજુ વાંદરા કેમ ભગાડો છો કહી ખેતપાડોશી પિતા-પુત્ર ઉપર દાંતી અને ડંડા વડે હુમલો કરી, ગંભીર ઈજા પહોંચાડી હતી. આ મામલે આંકલાવ પોલીસે બંને ભાઈઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આંકલાવ તાલુકાના ચમારા ગામમાં આવેલ બોરીયા વિસ્તારમાં આવેલ એક ખેતરમાં જ ઘર બનાવીને રહેતાં બુધાભાઈ આશાભાઈ પઢીયાર અને તેમનો પુત્ર અર્જુન ગત શુક્રવારના રોજ સવારના સમયે પોતાના ખેતરમાં આવી ચઢેલાં વાંદરાઓને ભગાડી રહ્યાં હતાં. તે વખતે તેમના બાજુના ખેતરમાં રહેતાં ઉદાભાઈ છત્રાભાઈ પઢીયારે અમારા ખેતર બાજુ વાંદરા કેમ ભગાડો છો તેમ કહી બુધાભાઈ સાથે બોલાચાલી કરી હતી. જે બાદ સાંજના સમયે ઉદાભાઈ અને તેનો ભાઈ ભગાભાઈ છત્રાભાઈ પઢીયાર હાથમાં દાંતી તેમજ ડંડો લઈને બુધાભાઈના ઘરે ગયા હતાં અને અમારા ખેતર બાજુ વાંદરા કેમ ભગાડો છો તેમ કહી ઝપાઝપી કરવા લાગ્યાં હતાં. બુમાબુમ થતાં બુધાભાઈનો પુત્ર અર્જુન ઘરમાંથી બહાર દોડી આવ્યો હતો. તે વખતે ઉશ્કેરાયેલાં છત્રાભાઈએ હાથમાંની દાંતી બુધાભાઈના કપાળના ભાગે મારી દીધી હતી. જ્યારે ભગાભાઈએ હાથમાંનો ડંડો અર્જુનના કપાળના ભાગે ફટકારી દીધો હતો. જે બાદ બંને જણાં ત્યાંથી ભાગી ગયાં હતાં. આ હુમલામાં દાંતી વાગવાથી બુધાભાઈનો લોહીલુહાણ બન્યા હતાં. જેથી તેઓને તાત્કાલિક આંકલાવ સરકારી દવાખાનામાં લઈ જવાયા હતાં. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે બુધાભાઈ પઢીયારની ફરીયાદને આધારે આંકલાવ પોલીસે ઉદાભાઈ અને ભગાભાઈ પઢીયાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here