Home અમદાવાદ અમદાવાદમાં 146 મી રથયાત્રા નિકળી … ભગવાન મોસાળ સરસપુર પહોંચશે … ભગવાન...

અમદાવાદમાં 146 મી રથયાત્રા નિકળી … ભગવાન મોસાળ સરસપુર પહોંચશે … ભગવાન માટે ખાસ ભોજન કરાયું તૈયાર …

92
0

અમદાવાદમાં રંગેચંગે ભગવાન જગન્નાથજીની 146 રથયાત્રા નીકળી છે. રથયાત્રા પૂર્વે PM નરેન્દ્ર મોદીએ ભગવાન માટે ખાસ પ્રસાદ મોકલ્યો છે. વર્ષોની પરંપરા મુજબ પ્રધાનમંત્રી દ્વારા ભગવાનને ધરાવવા માટે જાંબુ, મગ અને કેરીનો પ્રસાદ મોકલવામાં આવે છે. ત્યારે સૌથી વધુ ઉત્સાહ તો અમદાવાદના સરસપુરમાં જોવા મળ્યો છે. કારણ કે, રથ નિજ મંદિરથી નીકળીને મોસાળમાં મામાના ઘરે આવશે.

ત્યારે સરસપુરની ગલીઓમાં ભાણેજને આવકારવાની તમામ તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને સરસપુરવાસીઓ ભગવાન જગન્નાથની રથયાત્રા આવે તે પહેલાં તેમના સ્વાગતમાં રસ્તાઓની સાફ સફાઇ કરી રહ્યા છે. ભગવાન ખુદ ભાણેજ બનીને આવી રહ્યાં છે, ત્યારે સરસપુરવાસીઓ તેના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયા છે.

મોટી સંખ્યામાં જગતના નાથની નગરચર્યા જોવા શ્રદ્ધાળુઓ ભેગા થયા છે. ત્યારે સવારથી જ સરસપુરના રોડ ધોવામાં આવી રહ્યા છે. ભગવાનના રથ સરસપુર પહોંચે તે પહેલાં રોડ ધોઈ ઠંડા કરવામાં આવી રહ્યાં છે. ખલાસીઓ ખુલ્લા પગે ભગવાનનો રથ ખેંચે છે. તેથી તેમના પગ ન બળે તે પણ ધ્યાનમાં રાખી રોડ ધોવામાં આવે છે. સાથે જ એક સ્થાનિક ભક્તે જણાવ્યું કે, ભગવાન ઠંડા થાય તો અમારા બાળકો પણ ઠંડા થાય. આમ, ગઈકાલથી જ સરસપુરની ગલીએ ગલીએ તૈયારીઓ ચાલી રહી હતી. ક્યાં ભોજન, ક્યાંક ભજન, તો ક્યાંક શણગારની તૈયારીઓ કરાઈ. ભારે ઉત્સાહ સાથે સરસપુર વાસીઓ ભગવાનની રાહ જોઈ રહ્યાં છે. મામાના ધરે કોઈ કષ્ટ ન પડે તે તમામ બાબતોનું ધ્યાન રાખવામા આવે છે. ભગવાન ખુદ ભાણેજ બની મોસાળમાં આવી રહ્યા છે. ત્યારે સરસપુરવાસીઓમાં તેમના સ્વાગત માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદની પોળમાં રસોડાની કામગીરીમાં સૌ લોકો જોડાયા છે. ભાણેજ માટે અલગ અલગ પકવાન પૂરી, મોહનથાળ અને ફૂલવડીની સુગંધથી આખું સરસપુર મહેકી ઉઠ્યું છે.

ભગવાનની સાથે આવનારા તમામ ભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવામા આવશે. તમામને જમાડવામાં આવશે.  સરસપુરના રસોડાની વાત કરીએ તો અહી ભક્તોને જમાડવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. લગભગ 100 વર્ષોથી સરસપુરમાં ભક્તો અને સાધુસંતોને જમાડવામાં આવે છે. લગભગ લાખો ભક્તો આ પ્રસાદીનો લ્હાવો લે છે. આ રસોડું ચાર પેઢીથી એક જ પરિવાર ચલાવે છે. સરસપુરમાં ભક્તોને જમાડવા માટે રૂડીમાનું રસોડું છે. ભક્તોને જમાડવાની શરૂઆત જ રૂડીમાનાં રસોડાથી જ થઈ છે. પાંચ પોળના પ્રકાશભાઈ કહે છે કે,  90 વર્ષ જેવું થઈ ગયું છે. અત્યારે અમારી ચોથી પેઢી ચાલે છે. જમવામાં પુરી-શાક અને બુંદી આપવામાં આવે છે. સાધુ-સંતો અને ભક્તોનું ખૂબ જ સારી રીતે સ્વાગત કરવામાં આવે છે. અહીં ત્રણ દિવસથી રસોડું ચાલ છે અને રસોડામાં સેવા આપવા માટે બહારગામથી પણ લોકો જોડાયા છે. રથયાત્રાના આગળમાં દિવસે પુરી, ફૂલવડી, લાડુ તૈયાર કરવામાં આવે છે. જ્યારે રથયાત્રાના દિવસે વહેલી સવારે શાક, દાળ અને ભાત તૈયાર કરવામાં આવે છે. આગલા દિવસે પુરી બનાવવાનું કાર્ય કરવામાં આવે છે અને રથયાત્રાના દિવસે પરોઢીયે શાક બનાવવામાં આવે છે. દર વર્ષે ભગવાનને અહીંથી જ સુખડીનો ભોગ ચઢાવવામાં આવે છે. અહી હજારો લોકો જમે છે, પરંતુ ક્યારેય ભગવાનની પ્રસાદી ખૂંટતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here