હળવદ : 17 ફેબ્રુઆરી
ઈંગોરાળામાં રેતીના વોશ પ્લાન્ટનું મીટર પડીકું વાળી હળવદ વીજ કચેરીએ મુકાયું હતું એ જ ચોરાયું
હળવદ : હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે રેતીના વોશ પ્લાન્ટમાં વીજ ચોરી થતી હોવાથી ગત તા.10ના રોજ વીજ મીટર ઉતારી લઈ લેબોરેટરી ટેસ્ટિંગમાં લાવવામાં આવતા આ ઘાલમેલ વાળું મીટર અજાણ્યા બે તસ્કરો વીજ કચેરીમાંથી ચોરી જતા ચોરી ઉપર સે સીના જોરી જેવા બનાવમાં વીજતંત્ર દ્વારા સીસીટીવી ફુટેજના પુરાવા સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વીજચોરીના પુરાવા વાળા વીજ મીટરની ચોરીના આ ચોંકાવનારા બનાવની વિગત જોઈએ તો હળવદ વીજ કચેરીના નાયબ ઈજનેર રાકેશભાઇ ભગુભાઇ પટેલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં સી.સી.ટી.વી. કેમારામાં દેખાતા બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ હળવદ પી.જી.વી.સી.એલ. કચેરીમાં, નાયબ ઇજનેર ગ્રામ્ય પેટા વિભાગની ઓફીસની બાજુમાં આવેલ સ્ટોર રૂમમાંથી લેબ ટેસ્ટિંગમાં આવેલ વીજચોરી વાળું વીજ મીટર ચોરાયાનું જણાવાયું છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ વીજ કચેરીના સ્ટોર રૂમમાંથી ચોરાયેલ આ વીજ મીટર ગત તા.10 ફેબ્રુઆરીના રોજ વીજ ચેકીંગ દરમિયાન હળવદના ઈંગોરાળા ગામે બટુક મથુરભાઈ સાકરીયા નામના રેતીના વોશ પ્લાન્ટમાંથી વીજ ચોરી સબબ ઉતારી લેવામાં આવ્યું હોવાનું અને વીજ ચેકીંગ સમયે પણ આ આસામીએ કાયદો હાથ માં લેવા જેવી પરિસ્થિતિ સર્જતાં પોલીસ બંદોબસ્ત સાથે વીજ મીટર કબ્જે કરાયા નું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ સંજોગોમાં હાલ હળવદ પોલીસે મીટર ચોરાઈ જવાની આ ઘટનામાં આઈપીસી કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.