Home વેરાવળ સોમનાથ સંસ્કૃત યુની.નો 14 મો પદવીદાન સમારોહ યોજાયો…

સોમનાથ સંસ્કૃત યુની.નો 14 મો પદવીદાન સમારોહ યોજાયો…

200
0
વેરાવળ : 28 ફેબ્રુઆરી

વેરાવળ સ્થિત ગુજરાતની એક માત્ર સોમનાથ સંસ્કૃત યુની.નો 14 મો પદવીદાન સમારોહ રાજ્યપાલ દેવવ્રય આચાર્યની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં યોજાયો હતો. સમારોહમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજયકક્ષાના મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહેનાર હતા પરંતુ છેલ્લી ઘડીએ તેઓ વર્ચ્યુઅલ જોડાયા હતા. આ પદવીદાન સમારોહમાં કુલ 20 ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને 4 સિલ્વરમેડલ (રજત પદક) મળીને કુલ 24 જેટલા પદકો પણ એનાયત કરવામાં આવેલ જયારે યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-333, આચાર્ય (એમ.એ.)-184, પી.જી.ડી.સી.એ.-174, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-51, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)-9 અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-5 મળીને કુલ 756 ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે વ્યાકરણ વિષયનાં સંસ્કૃત વિદ્વાન (શ્રીમતિ સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2022)-પુરસ્કાર ડૉ. વાચસ્પતિ મિશ્રજીને મહાનુભાવોના હસ્‍તે એનાયત કરવામાં આવ્યો હતો. સમારોહમાં મહાનુભાવોના હસ્‍તે યુનીવર્સિટીના જુદા પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્‍યુ હતુ.

સમારોહને વર્ચ્‍યુઅલ સંબોઘતા રાજયપાલ દેવવ્રત આચાર્યજીએ જણાવેલ કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારથી યુવાપેઢી સજ્જ બને અને આ જ્ઞાન પ્રકાશથી સમસ્ત સમાજ આલોકિત થાય તેવા ઉદ્દેશથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ભારતીય જ્ઞાન પરંપરાની ઉપાસના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જ્ઞાનસંપદાથી સમાજને સમૃદ્ધ કરે અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરુષાર્થ કરે તેવી શીખ આપી હતી. ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિને જાણવી હોય તો સંસ્કૃત ભાષા જાણવી પડશે. ભારત દેશ ધર્મ પરાયણ દેશ છે. ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ સાથે જોડાયેલી છે ત્યારે ઋષિ પરંપરાનું પાલન કરી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વેદ-પુરાણો અને શાસ્ત્રોનો અભ્યાસ કરનારા યુવાનો પ્રતિ સમાજ અપાર શ્રદ્ધા ભાવ ધરાવે છે. વેદ સંસ્કૃતિની આ ભવ્ય જ્ઞાન વિરાસતથી રાષ્ટ્ર અને સમાજને લાભાન્વિત કરવા અપીલ કરી હતી.

સોમનાથ સંસ્કૃત યુની.નો 14 મો પદવીદાન સમારોહ યોજાયો
સોમનાથ સંસ્કૃત યુની.નો 14 મો પદવીદાન સમારોહ યોજાયો

વઘુમાં દેવવ્રતજીએ કહેલ કે, સંસ્કૃત ભાષામાં રચાયેલા વૈદિક સાહિત્યમાં ભારતીય જીવન દર્શન સંસ્કૃતિ અને પરંપરાના દર્શન થાય છે ત્યારે તેને જાણવા સંસ્કૃત ભાષા જન સામાન્યની ભાષા બનવી જોઈએ આ વાતને ધ્યાનમાં રાખીને જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 માં સંસ્કૃત ભાષાને મહત્વનું સ્થાન આપ્યું છે. ગુજરાતની ધરતી ઉપર જન્મ લઈને સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોનો વૈજ્ઞાનિક અભિગમ સાથે તર્કસંગત અર્થ આપીને વૈદિક સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડવા જીવન પર્યંત પુરુષાર્થ કર્યો હતો. તેમના પ્રેરણારૂપ જીવન દર્શનને અનુસરીને વિદ્યાર્થીઓ સંસ્કૃત અને સંસ્કૃતિ પ્રત્યે સન્માનની ભાવના સુદ્રઢ બને તે માટે પુરુષાર્થ કરે તેવો અનુરોઘ કર્યો હતો.

આ સમારોહમાં સંબોઘતા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ સૌ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના સ્નાતકો સમાજને ‘આત્મનિર્ભરતા’નો સાચો મર્મ સમજાવશે. આ યુનિવર્સિટીમાં ભવ્ય ગ્રંથાલય નિર્માણ પામશે જેમાં અંદાજે પાંચ લાખ શાસ્ત્ર ગ્રંથો અને ઈતર ગ્રંથોનો સમાવેશ થઈ શકશે. ગ્રંથાલયમાં ૨૪ કલાક અધ્યયન માટેની વ્યવસ્થા, સંગોષ્ઠી, પ્રદર્શની, પ્રાચીન પાંડુલિપિઓના સંરક્ષણની વ્યવસ્થા, સંદર્ભ ગ્રંથ સહિતના વિવિધ કક્ષની સુવિધાઓ ઉપલબ્ધ થશે. ભારત કેન્દ્રીત ચિંતન અને ભારતીય વિચારધારા ઉપર સમાજને વિકસાવવાનું મોટું કામ આ વિશ્વવિદ્યાલય કરી રહી છે. આ વિશ્વવિદ્યાલયના પદવીધારક વેદ વિદ્યાને આત્મસાત કરી તેને સફળતાપૂર્વક આગામી પેઢી પહોંચાડશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અતિનિ વિશેષ નિંદ્રામાં

સોમનાથ સંસ્કૃત યુની.ના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓમાં તો ઉત્સાહ હતો પરંતુ સરકારના મંત્રીઓથી લઈ મહાનુભાવોમાં નિરશતા જોવા મળતી હતી. સમારોહમાં મંચસ્થ મહાનુભાવો ગાઢ નિંદ્રામાં જોવા મળ્યા હતા. એક તરફ રાજ્યપાલનું પ્રવચન ચાલી રહેલ એવા સમયે જ અતિથી વિશેષ પી.કે. લહેરી ચાલુ કાર્યક્રમ મીઠી નીંદર માણતા કેમેરામાં કેદ થયા હતા. આ સમારોહમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી, સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ જયશંકર રાવલ, વેરાવળ-પાટણ પાલીકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી સહિતના મહાનુભાવો અને પદવી મેળવનાર છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:  રવિભાઈ, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here