સુરેન્દ્રનગર : ૧૨ જાન્યુઆરી
ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. ત્યારે, ઝાલાવાડમાં પતંગ રસીયાઓએ તૈયારી હાથ ધરી છે. અને પતંગ અને દોરીના ભાવમાં 25થી 30 ટકાનો ભાવ વધારો થયો છે. કાચા માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે. મોંઘવારીના માર સાથે કોરોના ઈફેક્ટથી ઉતરાયણનું પર્વ ફિક્કુ પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. પતંગ રસીયાઓનો પ્રિય તહેવાર ઉતરાયણ નજીક આવી રહ્યો છે. કાળઝાળ મોંઘવારીની આગ તહેવારોને પણ સ્પર્શી રહી છે. આ વર્ષે મકરસંક્રાન્તી પહેલા પતંગ-દોરાના ભાવોમાં તોતીંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળે છે.
આ અંગે બજારના વર્તુળો જણાવે છે કે, ઉતરાયણના તહેવાર પ્રસંગે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ પતંગ-દોરાના ભાવમાં તોતિંગ વધારો થયો છે. પતંગના ભાવમાં આ વર્ષે 25થી 30 ટકાનો વધારો થયો હોવાનું તથા દોરાના ભાવમાં ફિરકીએ 100 રૂા.નો વધારો થયો હોવાનુ જાણવા મળે છે. વેપારીઓના કહેવા મુજબ પતંગના માલની અછત છે. ચાઈનાથી કાગળની આયાત બંધ થઈ જતા ભારતમાં કાગળના ભાવો આસમાને છે. તેથી પતંગના ભાવમાં 25થી 30 ટકાનો વધારો જોવા મળે છે. તેવી જ રીતે બ્રાન્ડેડ દોરીના ભાવમાં પણ (બે હજાર વારની ફિરકીના ભાવમાં) 100 થી 150નો વધારો થયો છે.
આથી કાળઝાળ ર્મેંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમ વર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે. પણ ઘરાકી નહિંવત જોવા મળી રહી છે. ઉતરાયણમાં પતંગની સાથો સાથ દાન-પુણ્યનુ મહત્વ હોય છે. મહાજન સંસ્થાઓ ગૌશાળાઓને મોટા પાયે દાન મળતુ હોય છે. પણ ચાલુ વર્ષે મોંઘવારીએ માઝા મુકી હોવાથી દાનનો પ્રવાહ ઘટે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. લોકો કહે છે કે, ઉત્સવપ્રિય સરકારમાં જનતા માટે તહેવારો ઉજવવાનુ કપરૂ બની રહ્યું છે તે સામાન્ય પ્રજાજનોની કમનસીબી છે.