Home ટૉપ ન્યૂઝ સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો પર આડેધડ ખોદકામથી શહેરીજનો ત્રસ્ત

સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો પર આડેધડ ખોદકામથી શહેરીજનો ત્રસ્ત

142
0
સુરેન્દ્રનગર : 12 ફેબ્રુઆરી

સુરેન્દ્રનગર શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ગટર અને પાણીની લાઈનના રીપેરીંગ માટે ખોદી નાંખેલા રસ્તાઓ મામલે નગરપાલીકા, આર.એન્ડ.બી અને નેશનલ હાઈવે સોસાયટી એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળી જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતા શહેરીજનો પીસાઇ રહ્યાં છે. બીજી તરફ પાલિકા તંત્ર હાઈવે ઓર્થોરીટીએ આપેલી નોટીસનો જવાબ પણ આપવામાં શરમ અનુભવે છે. પરિણામે, શહેરીજનોને તંત્રના વાંકે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.

સુરેન્દ્રનગર શહેરમાં રસ્તા ખોદવાની કામગીરી પૂરી થતી જ નથી. ગટર અને લીકેજ પાણીની લાઈન માટે ઠેર-ઠેર ખોદકામ ચાલતુ જ હોય છે. એમાય રસ્તાઓ ખોદી નાખ્યા પછી વ્યવસ્થિત બુરાણ કરી રસ્તા સારા કરવામાં આવતા નથી. પાલિકાનું તંત્ર આ મામલે બેજવાબદારીપૂર્વક કામગીરી કરતુ હોય તેમ નાગરિકોને લાગી રહયુ છે. કેટલાક રસ્તાઓ આર.એન્ડ.બી અને નેશનલ હાઈવે ઓર્થોરીટી હસ્તકના છે. તે રસ્તામાં ખોદકામ કરતા પહેલા મંજૂરી લેવાની હોય છે. પાલિકા દ્વારા તે મંજુરી લેવામાં આવતી નથી. વઢવાણથી ટાવર સુધીનો મેઈન રોડ અને ટાવરથી દુધરેજ સુધીનો રોડ નેશનલ હાઈવે ઓર્થોરીટી હસ્તક છે.

નેશનલ હાઈવે ઓર્થોરીટી દ્વારા વઢવાણથી દુધરેજ સુધીનાં રોડ ઉપર વર્ષ 2019-20માં રૂા.પાંચ કરોડના ખર્ચે રાજકોટના ક્રિએટીવ ક્સ્ટ્રક્શન કંપની મારફતે રીશર્ફેસીંગ કામ કરાયુ હતુ. નગરપાલીકા તંત્ર દ્વારા તાજેતરમાં આ રોડ ઉપર હેન્ડલૂમથી એક્સિસ બેંક સુધી પાણીની લાઈન માટે ખોદકામ કરવાનુ હતુ. નેશનલ આઈવે ઓર્થોરીટીની જાણ બહાર આ રોડ ઉપર ડ્રીલીંગ મશીનથી પંચીંગ કરી ખાડા કરી નાખવામાં આવ્યા, તેની જાણ થતા નેશનલ હાઈવે ઓર્થોરીટીએ બે નોટીસો આપી નગરપાલીકાએ તેનો જવાબ તો ન આપ્યો પણ પંચીંગ અને ખાડા કર્યા પછી આ રોડ પરનુ કામ પડતું મુકી દીધું હતુ. પરિણામે આ રસ્તાની હાલત ભંગાર બની ગઈ છે. વઢવાણનાં ગેબનશા પીરની દરગાહથી સી.એન.જી. પંપ સુધીનો રોડ આર.એન્ડ.બી. વિભાગ હસ્તક છે.

ટાવરથી બાયપાસ અને બાયપાસથી ગણપતી ફાટસર સુધીનો રોડ પણ આર.એન્ડ.બી વિભાગમાં આવે છે. આ રોડ ઉપર રહેણાંક વસાહત થઈ ગઈ હોવાથી આર.એન્ડ.બી વિભાગે નગરપાલીકાને લખીને આપ્યું છે કે, આ રોડ તમારા હસ્તક લઈ લ્યો. પણ નગરપાલીકા જવાબ આપતી નથી. આર.એન્ડ.બી, નેશનલ હાઈવે ઓર્થોરીટી અને નગરપાાલીકાનાં આ ગજગ્રાહ વચ્ચે શહેરીજનો-વાહનચાલકો પરેશાન થાય છે. ખોદકામ પછી મેન્ટેનન્સ કરવામાં આવતુ નથી. સમસ્યા ઠેરની ઠેર રહે છે. પરિણામે નાગરીકોને હાલાકી પડે છે. શહેરના ભંગાર રસ્તા સારા બને અને લોકોની હાલાકી ઓછી થાય તેવા પગલા તાત્કાલીક લેવા શહેરીજનોમાંથી માંગણી ઉઠવા પામી છે.

-Trending Gujarat

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here