“પંચમહોત્સવ” ના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે બેઠક યોજાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેર-પાવાગઢ એ માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર દેશમાં પોતાના ઐતિહાસિક મહત્વ માટે સુપ્રસિદ્ધ પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા પણ “વર્લ્ડ હેરિટેજ સાઇટ” નો દરજ્જો આપવામાં આવ્યો છે.
જે અંતર્ગત ચાલુ વર્ષ ૨૦૨૪ માં હાલોલ તાલુકાના પાવાગઢ વિસ્તારમાં આવેલ વડા તળાવ ખાતે તા.૨૭ ડિસેમ્બર થી તા.૨૯ ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અને અમલીકરણ સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયાની અધ્યક્ષતામાં ગોધરા ખાતે આવેલ કલેક્ટર કચેરીના સભાખંડમાં સબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા સબંધિત અધિકારીઓને પંચમહોત્સવ દરમિયાન યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમોના સુચારુ આયોજન, અમલીકરણ માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં અને મહોત્સવને સંલગ્ન તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જરૂરી સલાહ આપી સૌ અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પંચમહોત્સવના ત્રણ દિવસો તા.૨૭ ડિસેમ્બર થી તા.૨૯ ડિસેમ્બરના દિવસો દરમિયાન જિલ્લા બહારના અને જિલ્લાના કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો- કૃતિઓ રજૂ કરવામાં આવશે.
આ બેઠકમાં નાયબ કલેકટર અને હાલોલ પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકારી મામલતદાર સહિત સબંધીત વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હાલોલમાં આવેલ સુપ્રસિદ્ધ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય અને સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તથા તેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તે હેતુથી વર્ષ ૨૦૧૫ થી દરવર્ષે જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
અહેવાલ.. નરેન્દ્રસિંહ પરમાર હાલોલ