આણંદ: ૧૮ જાન્યુઆરી
આણંદના ગોપાલપુરા ગામમાં સીમંતનો પ્રસંગ અચાનક ચિંતાના માહેલમાં ફેરવાઇ ગયો હતો. સીમંતની વિધિ પુર્ણ થતા જ સગર્ભાને પ્રસુતાની પીડા ઉપડી હતી. જોકે, આણંદ ટાઉનહોલની 108 એમ્બ્યુલન્સની જાણ કરતાં ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, સગર્ભાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, તે દરમિયાન રસ્તામાં જ ડિલિવરી કરાવી બાળક અને માતાને નવજીવન આપ્યું હતું.
આણંદના ગોપાલપુરાના પરિવારમાં મંગળવારના રોજ સીમંતનો પ્રસંગ હોવાથી આનંદનો માહોલ હતો. જોકે, આ સીમંત વિધિ પૂર્ણ થતાં સાથે જ સગર્ભાને પ્રસુતાની પીડા ઉપડતાં પરિવારના સૌ ચિંતામાં પડી ગયાં હતાં. અધુરા પાસે બાળક જન્મે તો માતા અને સંતાન બન્નેના સ્વાસ્થ્યને અસર થાય તેમ હતું. જોકે, આ બાબતે તાત્કાલિક 108ને જાણ કરતાં ટાઉનહોલ સ્થિત ટીમ ગોપાલપુરા પહોંચી હતી. માતાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, રસ્તામાં જ એમ્બ્યુલન્સની અંદર જ ડિલીવરી કરાવી પડી હતી. અધૂરા માસે જન્મેલા બાળકને વોર્મિંગ કરીને એમ્બ્યુલન્સમાં જ કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવામાં આવ્યો હતો. જેના કારણે બાળક સ્વસ્થ બનતાં નવજીવન મળ્યું હતું. એમ્બ્યુલન્સની ટીમે જણાવ્યું હતું કે, જન્મ સમયે બાળકનું વજન ફક્ત 800 ગ્રામ હતું. માતા અને બાળકને આણંદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ ડિલીવરી કેસમાં ઇએમટી સુરેશ રાઠોડ અને પાયલોટ રિઝવાન શેખ જોડાયાં હતાં.
ગયા વરસે દોઢ સો જેટલી ડિલીવરી એમ્બ્યુલન્સમાં કરાઇ હતી
આણંદ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા 2021માં 152 જેટલી ડિલીવરી એમ્બ્યુલન્સમાં જ કરાવવામાં આવી હતી. જોકે, તેમાં 15 જેટલા કેસમાં ક્રિટકલ સંજોગો હતાં. અધુરા પાસે પ્રસુતાની પીડા ઉપડવી, બાળક ઉંધુ હોવું સહિતના પ્રશ્નો ઉભા થતાં હોય છે. જોકે, 108ની ટીમ દ્વારા આવા કેસમાં સફળતાપૂર્વક ડિલીવરી કરાવી માતા – બાળકને નવજીવન બક્ષવામાં આવ્યું છે.