Home સુરેન્દ્રનગર સરકાર અને ગામલોકોના સહયોગથી હરિયાળુ બન્યું માલણપુર… રણ પ્રદેશમાં સર્જાઈ હરિયાળી…

સરકાર અને ગામલોકોના સહયોગથી હરિયાળુ બન્યું માલણપુર… રણ પ્રદેશમાં સર્જાઈ હરિયાળી…

154
0

સમગ્ર વિશ્વમાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવાનો છે. પર્યાવરણના જતન માટે સરકાર તરફથી અનેકવિધ પહેલ કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો શુષ્ક અને સૂકો ભઠ્ઠ પ્રદેશ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર બાવળ જ જોવા મળે છે. આ પ્રદેશમાં લીલોતરી અથવા હરિયાળા ગામની કલ્પના કરવી એ દીવાસ્વપ્ન સમાન છે. પરંતુ સરકાર અને ગામ લોકોના સહયોગથી આ અશક્ય કાર્ય પણ રણ પ્રદેશમાં શક્ય બન્યું છે અને માલણપુર ગામમાં ઘટાદાર 8 હજારથી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે.  માલણપુરના લોકોએ વૃક્ષો વાવીને સૂકા રણને જાણે એક લીલી ચાદર ઓઢાડી છે.

 

સૂકા વિસ્તારને લીલોછમ્મ બનાવવાના આ ભગીરથ કાર્યમાં જેનો અગત્યનો ફાળો છે એવા માલણપુર ગામના પૂર્વ સરપંચ પરસોત્તમભાઈ કનુભાઈ જાદવ પોતાના સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન કરેલા કામની વિગત આપતા જણાવે છે કે, મારા સરપંચના કાર્યકાળ તરીકે અમે સરકારની બિનપિયત યોજનાનો લાભ લઇ ગામમાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું. જેમાં ગ્રામ લોકો અને ગામનાં યુવાનોના સાથ સહકારથી ઉનાળામાં પણ વૃક્ષોને પાણી આપી તેનું જતન કર્યું છે. જેના પરિણામે આજે ગામમાં ૮ હજારથી પણ વધારે વૃક્ષો લહેરાઈ રહ્યા છે. અમારા ગામની વસ્તી અંદાજે 1200 થા 1400 ની આસપાસ છે. જ્યારે ગામમાં વૃક્ષોની સંખ્યા 8000 થી વધારે છે. ગામનાં એક વ્યક્તિએ પાંચથી સાત વૃક્ષોનો ઉછેર કર્યો છે. વૃક્ષોના કારણે આજે ગામમાં પક્ષીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. ગામનું આખું વાતાવરણ પહેલા કરતાં બદલાઈ ગયું છે.

અમે સરકારની રોડ સાઇડ વાવેતર યોજનાનો લાભ લઈને રોડ પરથી ગામમાં પ્રવેશતા અંદાજે 1.5 કિલોમીટરથી પણ વધારે વિસ્તારોમાં પાંજરા ગોઠવી વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ  વૃક્ષોને અમે ઉનાળાના સમયમાં પણ પાણીના ટેન્કર મારફતે પાણી આપીને તેનું જતન કર્યું છે. આજે એ બધાં જ વૃક્ષો મોટા ઘટાદાર થઈ ગયા છે. ગામમાં પ્રવેશતા જ રસ્તાની બંને બાજુએ વૃક્ષોની હારમાળા તમારૂ સ્વાગત કરવા ઉભી હોય. એવો અનુભવ થાય છે કે આપણે નાના રણમાં નહીં પણ કોઈ હરિયાળા વિસ્તારમાં છીએ. અમારું ગામ રણકાંઠાની નજીક આવેલું ગામ છે. બીજા વિસ્તારોમાં જ્યારે તાપમાન 44 ડિગ્રી તાપમાન હોય ત્યારે પાટડી તાલુકાનાં આ વિસ્તારમાં સરેરાશ તાપમાન 47 થી 48 ડિગ્રી હોય છે. પરંતુ માલણપુર ગામમાં વૃક્ષોના લીધે તાપમાનમાં પણ ઘટાડો  અનુભવાય છે. જેના પરિણામે આજે લોકો ગરમીથી પણ રાહત મેળવી રહ્યા છે. ગામના દરેક ઘરે બે થી ત્રણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગામ લોકોએ સંકલ્પ કર્યો છે કે દર વર્ષે ગામમાં નવા એક હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવો. અમારું આખું ગામ વૃક્ષ પ્રેમી છે અને વૃક્ષોનું જતન પણ કરે છે. દરેક લોકો પોતાના જન્મદિવસે અથવા કોઈ તિથિ નિમિત્તે વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરીને મનાવે તો વિશ્વને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી મુક્તિ અપાવી શકાય.

જ્યારે ગામના સરપંચ જાદવ નરેશભાઈ ગણેશભાઈ જણાવે છે કે, અમારા ગામમાં 8000 થી પણ વધારે વૃક્ષો આવેલા છે. ગામ લોકો દ્વારા તેનું જતન પણ સારી રીતે કરવામાં આવ્યું છે. ગામ લોકોના પૂરતા સહયોગથી અત્યારે ઉંચા તાપમાનમાં પણ ગરમીનો અહેસાસ થતો નથી. દરેક લોકો વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરે એવો સંદેશો પણ આપ્યો હતો. જ્યારે ગામના યુવાન રાકેશભાઈ જાદવ જણાવે છે કે, માલણપુર ગામમાં યુવાનો, વડીલો અને સર્વ સમાજના લોકોએ સાથે મળીને વૃક્ષો ઉછેર કર્યો છે. આજના સમયમાં વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓના કારણે પીડાઈ રહ્યું છે ત્યારે માલણપુર ગામે હરિયાળા વૃક્ષો વાવીને લોકો સમક્ષ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here