સુરેન્દ્રનગર : 14મી ફેબ્રુઆરી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાની ૫૦મી શાખાનો ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુરુકૂલની ૫૦મી નૂતન શાખાનું શિલાપૂજન કર્યું હતુ.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં માનવ નિર્માણની પ્રક્રિયા થાય છે. રાષ્ટ્રના નિર્માણ માટે પંચવર્ષીય, ૧૦ વર્ષીય યોજનાઓ થકી નહેરો, ભવનો અને રસ્તાઓનું નિર્માણ કરવામાં આવે છે જ્યારે વ્યક્તિના નિર્માણ માટે ગુરુકુળ જેવી સંસ્થાઓ મહત્વનો ભાગ ભજવે છે. મનુષ્ય નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ થાય છે. તેમજ સમાજ અને પારિવારિક વ્યવસ્થાનું નિર્માણ થાય છે અને આ નિર્માણ થકી જ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે. વધુમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સદચરિત, પરોપકારી, ધર્માત્મા, રાષ્ટ્રભાવનાના સંસ્કાર સાથે જે મનુષ્ય ગુરુજનોનો આદર કરે તેવા મનુષ્ય રાષ્ટ્રની સૌથી મોટી પૂંજી છે. આવા મનુષ્યના નિર્માણની કાર્યશાળા એ આ ગુરુકુળ છે. માનવ નિર્માણની પ્રક્રિયા ભારતીય ઋષિઓએ જે વિચારી હતી તે આ ગુરુકુળમાં દ્રષ્ટિગોચર થાય છે.
આ તકે તેમણે ઉમેર્યું કે, આજે દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાષ્ટ્ર અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે સૌભાગ્યની વાત છે કે રાજકોટ ગુરુકુળ સંસ્થા પણ તેનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુરુકુળ સંસ્થા રાજકોટના અમૃત મહોત્સવ અંતર્ગત ગુરુકુળ દ્વારા અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. સ્વચ્છતા અભિયાન, પ્રાકૃતિક કૃષિ અભિયાન, કોરોના મહામારીમાં લોકોની સેવા, દીન દુખિયાની સેવા, હોસ્પિટલોની વ્યવસ્થા, ગૌશાળાઓનું નિર્માણ, વૃક્ષારોપણનું કામ અને પર્યાવરણ શુદ્ધિ અભિયાન જેવા કામો આ પ્રકારની સામાજિક ગતિવિધિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આ ગુજરાતની ધરતી એ મહાન ભૂમિ છે. જેણે સમય સમય પર મહાન સંતો અને જ્ઞાનીઓને જન્મ આપ્યો છે તેમજ રાજનેતાઓને પણ જન્મ આપ્યો છે. જે આ દેશની ગરિમા વિશ્વમાં ફેલાવી ભારતનું ગૌરવ અને સ્વાભિમાનને વધારી રહ્યા હોવાનું રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે ગુરુકુલ સંસ્થાના મહંતશ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુરુકુલ સંસ્થા જીવનને ઉજાગર કરી લોકોમાં ચેતના લાવવાનું કામ કરી રહી છે. તેમજ નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરી રહી છે. આ તકે અગ્રણી રાકેશભાઈ દૂધાતે પ્રાસંગિક ઉદબોધન કરી ગુરુકુલ સંસ્થાના કાર્યોની જાણકારી આપી હતી.
આ પ્રસંગે ગુરુકુલ સંસ્થાના ગુરુવર્ય મહંતશ્રી દેવકૃષ્ણ દાસજી, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના અપર મહાનિર્દેશક ધીરજભાઈ કાકડિયા, ગુરુકુલ સંસ્થાના લક્ષ્મી નારાયણ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, હરીપ્રિયદાસજી સ્વામી, જિલ્લા કલેકટર કે. સી. સંપત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા, અગ્રણી જગદીશભાઇ મકવાણા અને ગુરુકુલ સંસ્થાના સંતો સહિત ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
-Trending Gujarat