Home ભાવનગર શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રણધીરસિંહ ઝાલા દ્વારા લિખિત પુસ્તક ‘પ્રેમ...

શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રણધીરસિંહ ઝાલા દ્વારા લિખિત પુસ્તક ‘પ્રેમ યોગ’ નું ભાવનગરના મહારાણીશ્રી સમયુક્તાકુમારીજીના હસ્તે વિમોચન

136
0
ભાવનગર : 14 ફેબ્રુઆરી

શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રણધીરસિંહ ઝાલા દ્વારા લિખિત પુસ્તક ‘પ્રેમ યોગ- અ વે ઓફ લાઈફ’ નું ભાવનગરના મહારાણીશ્રી સમયુક્તાકુમારીજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલા પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, અનુભવ અને અનુભૂતિના અસ્ખલિત પ્રવાહમાંથી જીવનનું નિરીક્ષણ કરવાનો દ્રષ્ટિકોણ ‘પ્રેમ યોગ’ પુસ્તકમાંથી મળે છે.

શ્રી રણધીરસિંહ એક વાચકમાંથી વિચારક અને યોગ સાધક થી ચિંતક સુધીની જે સફર ખેડી છે, આ સફરમાં તેમણે જે અનુભવ્યું તે જોયું કે તેવું જ તવારીખ સાથે આ પુસ્તકના ૭૨ પ્રકરણમાં આ આલેખ્યું છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રેમ માટે સમગ્ર જીવન અને અસ્તિત્વ હોય છે. અસ્તિત્વ ક્યારેય એકલું હતું નથી.વ્યક્તિત્વ તેની સાથે અહર્નિશ જોડાયેલું હોય છે. ત્યારે આવા વૈચારિક ઊંડાઈ અને ઊંચાઇ બન્ને ધરાવતું પુસ્તક પ્રેમની ટૂંકી વ્યાખ્યા કરવાને બદલે ધર્મ-સંસ્કૃતિના માધ્યમથી એક નવો આયામ જ આપે છે.

શ્રી રણધીરસિંહ મારા સારા મિત્રો હોવા સાથે સારા ચિંતક તરફ ગતિ કરી રહ્યાં છે તેનો આનંદ વ્યકત કરતાં તેમણે કહ્યું કે, વાઇબ્રેશન સાથે જ્યારે અસ્તિત્વ એકાકાર થતું હોય છે ત્યારે આવા પ્રકરણો અને આવા પ્રકરણમાંથી આવું પુસ્તક આકાર પામતું હોય છે.

તેમણે કહ્યું કે, પુસ્તક એક સારા મિત્રની ગરજ સારે છે. પુસ્તક ક્યારેય પૂરું થવા માટે હોતું નથી. વિચારોનો પ્રવાહ સતત ચાલતો રહે ત્યાં સુધીની તેની યાત્રા પણ સતત સતત ચાલતી રહે છે.

આ પુસ્તકમાં જે ઉચ્ચ આધ્યાત્મિક માર્ગદર્શન કરાવવામાં આવ્યું છે તે લોકોની જીવનયાત્રામાં ઉપયોગી બની રહેશે. આધ્યાત્મિક અને પરમાત્માના માર્ગ તરફ અગ્રેસર કરી લોકોમાં એક નવો દ્રષ્ટિકોણ ઉભો કરશે.

શ્રી રણધીરસિંહ દ્વારા લિખિત આ પુસ્તક અલ્પવિરામ છે. પૂર્ણવિરામ નથી તેમ જણાવી તેમણે કહ્યું કે, શ્રી રણધીરસિંહ એક ઉચ્ચ પ્રકારના સાધક છે. તેઓ ધ્યાનથી ચક્ર સુધી ગયા છે. પરંતુ સમાજમાં કંઈક પરત આપવા માટે પરત ફર્યા છે. તેમને જ્યાં જે સૂઝ્યું, જે વિચાર્યું, જે અનુભવ્યું તે આ પુસ્તકમાં લખ્યું છે.

લેખકે પ્રેમને યોગ સ્વરૂપે દર્શાવીને પોતાની આત્માનુભૂતિ અને તેમણે જે વાઈબ્રેશન સાથેનું ચિંતન કર્યું છે તેના અનુભવનો નિચોડ આ પુસ્તકમાં ૭૨ પ્રકરણો દ્વારા આપ્યો છે. ધ્યાન- આધ્યાત્મના માર્ગે તરફ તેઓ વધુ ને વધુ અગ્રેસર બને તેવી અભ્યર્થના તેમણે આ તકે વ્યક્ત કરી હતી.

 

પ્રેમ યોગ ફાઉન્ડેશન દ્વારા નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત આ પુસ્તક વિવિધ ૭૨ વિષયો પરના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સાંપ્રત સમયને અનુરૂપ જન્મથી માંડીને મૃત્યુ સુધીના દરેક વિષયોને સાંકળી લેવામાં આવ્યાં છે.

આ પુસ્તક અત્યંત પ્રાસંગિક અને વર્તમાન સમય અનુસારની માનસિક જરૂરિયાતોને સંતોષ આપે તે પ્રકારની રસાળ શૈલીમાં લખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રણધીરસિંહ ઝાલા જાણીતા યોગી, વાચક, વિચારક અને ચિંતક છે.તેમના સ્વાનુભવો પરથી આ પુસ્તકની રચના કરવામાં આવી છે.

આ અવસરે શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુએ આશિર્વચન પાઠવ્યા હતાં. ડો. પારસ ભટ્ટ દ્વારા આ પુસ્તકનો પોતાના અનુભવો સાથેનો રસાસ્વાદ કરાવવામાં આવ્યો હતો. તેમજ યુવા લેખક અને અગ્રણી પત્રકારશ્રી ધૈવત ત્રિવેદી દ્વારા પુસ્તકનો પરિચય કરાવવામાં આવ્યો હતો.

આ અવસરે ડેપ્યુટી મેયરશ્રી કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, પૂર્વ સાંસદશ્રી રાજેન્દ્રસિંહ રાણા, એ.એસ.પી.શ્રી સફિન હસન સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ સહિત સમાજના શ્રેષ્ઠીઓ, નગરના ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ: અલ્પેશ ડાભી – ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here