કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત MGVCL સબ સ્ટેશનના અંધેર વહીવટથી સતત પાંચમી રાત્રીના સુમારે વેજલપુર અડાદરા રૂટની મુખ્ય લાઈન પર વીજ ફોલ્ટ સર્જાતા આ રૂટના અનેક ગામોમાં અંધારપટ યથાવત રહેતા MGVCL વિભાગના અંધેર વહીવટ વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વેજલપુર સ્થિત MGVCL વિભાગના પ્રિમોન્સુન કામગીરીની લાપરવાહીને પગલે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં સતત સર્જાતા ફોલ્ટને કારણે વીજકાપના ધાંધિયાઓથી ગ્રામજનો પરેશાન બની ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેજલપુરથી સુરેલી અડાદરા રૂટની મુખ્ય લાઈન પર જ પાછલા પાંચ દિવસથી રોજ રાત્રીના સુમારે સતત વીજ ફોલ્ટ સર્જાતા આ રૂટના અનેક ગામોમાં રાત્રીના સુમારે અંધારપટ છવાઇ જાય છે અને ચોમાસામાં વરસાદ વચ્ચે અંધારપટને કારણે અબાલ વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકીઓ ભોગવવી પડે છે. ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી નિયમિત બની ગયેલા વીજ ધાંધિયાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
જોકે વીજ ધાંધિયાઓના જન આક્રોશથી MGVCL વિભાગ વિરુદ્ધ જન આંદોલન ફાટી નીકળે એ અગાઉ મંગળવારે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોરે વેજલપુર અને કાલોલ સ્થિત MGVCL વિભાગની મુલાકાત લઈને વિભાગીય એન્જિનિયરો સમક્ષ વીજ ધાંધિયાઓ અને મુશ્કેલીઓ અંગે રજુઆત કરી તેને સત્વરે દુરસ્ત કરવાની સમીક્ષા કરી હતી. તદ્ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખે જાતે જવાબદાર અધિકારીઓને અસરગ્રસ્ત ગામોમાં સાથે લઈ જઈને વીજ પ્રવાહ ચાલુ કરાવતા હાલ પુરતાં લોકોને રાહત મળી હતી.
કાલોલના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર સર્જાતા વીજ ધાંધિયાઓથી ત્રાહિમામ પોકારીને આગામી દિવસોમાં જો વીજ ધાંધિયાઓ યથાવત રહેશે તો MGVCL વિભાગની કચેરી ખાતે તાળાબંધી અને પાવરકટ કરવાના જન આંદોલન ઉપાડવાનો આક્રોશ ભભૂકી રહ્યો હોવાની અસરગ્રસ્ત ગામોના ગ્રામજનોએ ચિમકીઓ ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા ઘણા વર્ષોથી કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની સમસ્યાઓ અને ચોમાસામાં સર્જાતા વીજ ધાંધિયાઓ તંત્ર ભરોસે ચાલતો હતો. અત્યાર સુધી વીજ ધાંધિયાઓ અંગે રજૂઆત કરવા માટે સ્થાનિક કોઈ નેતા લોકો માટે આગળ આવતા નથી જે મધ્યે કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ જયદેવસિંહ ઠાકોરે મંગળવારે કાલોલ અને વેજલપુર એમજીવીસીએલના સ્ટાફ સાથે કડક શબ્દોમાં વીજ લાઈનો સાફ કરીને વીજ પુરવઠો દુરસ્ત કરવા માટે સમીક્ષા કરી ગામડાઓની સમસ્યાઓને વાચા આપી હતી.